અત્યારસુધીમાં પેપર લીક કાંડ મામલે કુલ 11માંથી 8 આરોપીની ધરપકડ થઈ : ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું.આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે.હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
આરોપીઓ પાસેથી 23 લાખ જપ્ત કરાયા : ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી,જે પૈકી ગઈકાલે 6 આરોપીની અટકાયત કરાઈ હતી.હવે વધુ બે આરોપીની ધરપકડ કરી 23 લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે.આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે.હાલમાં 11 આરોપી પૈકી 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે.
હજુ મુખ્ય આરોપીઓ પકડની બહાર : પોલીસ હજુ મુખ્ય આરોપીઓને શોધી રહી છે,ત્યાર બાદ પેપર ક્યાંથી લેવામાં આવ્યું, આમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.ઉપરાંત આ મામલે કોઈ સરકારી કર્મચારી,કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.એવામાં બાકીના આરોપીઓની પકડાયા બાદ જ વધુ યોગ્ય કડી મળશે એવું પોલીસ માની રહી છે,તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે એવી શક્યતા છે.
પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી : પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને,એને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ,હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી,એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
12 વાગ્યે યોજાનારી પરીક્ષાનું પેપર 10 વાગ્યે ફરતું થયું’ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ કલાર્કની 186 જગ્યા માટેની પરીક્ષા રવિવારે રાજ્યનાં 6 સેન્ટર પર યોજાઈ હતી.તમામ સેન્ટરો પર મળી કુલ દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.AAPના નેતાએ દાવો કર્યો હતો કે હેડ કલાર્કની પરીક્ષા રવિવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ હતી,પરંતુ પેપરમાં પુછાયેલા સવાલના જવાબો સવારે 10 વાગ્યાથી જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.