- પશ્ચિમ બંગાળની ખાડીમાં બની રહેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે નિકોબાર આઈલેન્ડ વિસ્તારમાં વરસાદનો પણ અણસાર
નવી દિલ્હી,તા.20 ડિસેમ્બર,સોમવાર : દિલ્હીમાં ઠંડીના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.સોમવારે રાષ્ટ્રીય રાજધાનીનું ન્યૂનતમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ દરમિયાન શીતલહેર ચાલી રહી છે.ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના કહેવા પ્રમાણે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહે તેવો અણસાર છે.આ દરમિયાન શીતલહેર ચાલતી રહેશે અને દિવસે આકાશ ચોખ્ખું રહેશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 2 દિવસો સુધી હિમાલય તરફથી ફૂંકાનારા ઠંડા પવનના કારણે પંજાબ,હરિયાણા,ચંદીગઢ,ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પૂર્વીય અને પશ્ચિમી ભાગમાં શીતલહેરની શક્યતા છે.દિલ્હીમાં સંભવતઃ21 ડિસેમ્બરના રોજ શીતલહેર રેકોર્ડ થઈ શકે છે.જ્યારે પશ્ચિમ બંગાળની ખાડીમાં બની રહેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે નિકોબાર આઈલેન્ડ વિસ્તારમાં વરસાદનો પણ અણસાર છે.
કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સોમવાર માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે,હવાઓની ગતિ 14 કિમી પ્રતિ કલાક રહેવાના કારણે દિવસે તડકો પણ નહીં અનુભવાય.સાથે જ સાંજ પડતાં હાડ ગાળી દેતી ઠંડીનો અનુભવ થશે.છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું સ્તર 39થી 85 ટકા રેકોર્ડ કરવામાં આવ્યું છે.