- ઇટાલિયન અને પાકિસ્તાની પુરાતત્વવિદોને સિક્કા, વીંટી, વાસણ, ખરોષ્ઠી ભાષા લખેલી સામગ્રી સહિતની 2700 અતિમૂલ્યવાન વસ્તુઓ પણ મળી
પેશાવર : ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદોની સંયુક્ત ટીમે બોદ્ધકાળના 2300 વર્ષ જૂનાં એક મંદિરને ખનન દરમિયાન શોધ્યું છે.ખનન દરમિયાન સિક્કા,વીંટી સહિતની આશરે 2700 કિંમતી વસ્તુઓ મળી છે.આ મંદિર તક્ષશિલામાં મળેલા મંદિરો કરતા પણ જૂનું હોવાનો સંશોધકોનો દાવો છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના બારીકોટ તાલુકાના બાજીરા શહેરમાં આ મંદિર ખનન દરમિયાન મળ્યું છે.પાકિસ્તાનમાં આવેલા બૌદ્ધકાલીન મંદિરો પૈકી આ મંદિર સૌથી જૂનું હોવાનો દાવો સંશોધકો દ્વારા કરાઇ રહ્યો છે.
સંશોધનમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સંયુક્ત ટીમ દ્વારા કરવામાંઆવેલા ખનન દરમિયાન આશરે 2300 વર્ષ જૂનાં મંદિર ઉપરાંત વીંટી,સિક્કા,વાસણો અને યુનાનના રાજા મિનાંદરના સમયની ખરોષ્ઠી ભાષામાં લખાયેલી કેટલીક સામગ્રી પણ મળી આવી છે.
ઇટાલિયન સંશોધકોએ દાવો કર્યો છે કે બાજીરા શહેરમાં ખનન દરમિયાન હજુ પણ પુરાતત્વીય સ્થળો મળી આવે તેવી શક્યતા છે.પાકિસ્તાન સ્થિત ઇટાલિયન રાજદૂત આંદ્રે ફેરાસિસનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી મળેલું આ પુરાતત્વીય સ્થળ દુનિયાના વિભિન્ન ધર્મો માટે અતિમહત્વપૂર્ણ છે.