હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ‘મેનવાપર ક્રાઇસિસ’કોરોનાના કારણે સરહદો બંધ થતાં શ્રમિકોનું વતનમાં સ્થળાંતર અમુક રેસ્ટોરન્ટમાં ભોજન તૈયાર થઇ શકે તેટલો સ્ટાફ પણ નથી
પર્થ : ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના રેસ્ટોરન્ટ્સમાં અત્યારે સ્ટાફની ભારે અછત સર્જાઇ છે.આ રેસ્ટોરન્ટમાં એટલો સ્ટાફ પણ નથી કે ગ્રાહકોને પૂરતી સર્વિસ આપી શકે.અહીંના મોટાભાગના ફાઇનડાઇન રેસ્ટોરન્ટ કલાકના 55 ઓસ્ટ્રેલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણના ચાર હજાર રૂપિયા ચૂકવવા તૈયાર છે,છતાં પણ તેમને સ્ટાફ મળી રહ્યો નથી.
આ વેતન સામાન્ય સંજોગોમાં અપાતા વેતનથી લગભગ ત્રણ ગણું વધારે છે.કોરોના વાયરસના કેરના કારણે પર્થ સહિતના મોટાં શહેરોની સરહદો અત્યારે બંધ છે.બીજા શહેરમાંથી પર્થમાં આવતા શ્રમિકો કોરોનાના કારણે અત્યારે તેમના વતન જતાં રહ્યાં છે.તેથી શહેરના મોટા રેસ્ટોરન્ટને વેતનરૂપે મોટી રકમ ચૂકવવા છતાં સ્ટાફ મળી રહ્યો નથી.
વેસ્ટ પર્થ રેસ્ટોરન્ટની ઓનલાઇન જોબ એડવર્ટાઇઝમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને અનુભવી,નવું શીખવાનો ઉત્સાહ ધરાવનારા અને સજાગ વેઇટર સ્ટાફની જરૂરિયાત છે.જેના માટે તેઓ પ્રતિ કલાક 55 ઓસ્ટ્રેલિયન ડૉલરનું મહેનતાણું ચૂકવવા તૈયાર છે.
ઓસ્ટ્રેલિયન હોટેલ્સ એસોસિએશનની પશ્ચિમ ઓસ્ટ્રેલિયન શાખાના સી.ઇ.ઓ.બ્રેડલી વૂડ્સનું કહેવું છે કે,હોસ્પિટાલિટી ઉદ્યોગ અત્યારે મેનપાવર ક્રાઇસિસ એટલે કે શ્રમ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે.જેનો સીધો અસર ગ્રાહકોને અપાતી સર્વિસ અને તેમના અનુભવ પર પડી રહ્યો છે.
જાફરાનો રેસ્ટોરન્ટ ચેઇનની જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને સ્વાદિષ્ટ ભોજન બનાવનારા અને સારી સર્વિસ આપનારા લોકોની જરૂર છે.સારૂં ભોજન બનાવી શકતા હોય તેવાં કામદારોને શનિવાર અને રવિવાર સહિત અઠવાડિયામાં લગભગ 40 કલાક કામ કરવાનું રહેશે.