40 હજાર વર્ષોથી ભારતમાં તમામ લોકોનું DNA એક જ છેઃ RSS વડા

441

-ધરમશાલા (હિમચાલ પ્રદેશ) : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે,સંઘને હંમેશા મીડિયામાં સરકારના રિમોટ કંટ્રોલ તરીકે દર્શાવવામાં આવે છે,આ વાત બિલકુલ સાચી નથી.તેમણે વધુમાં જણાવ્યું કે,ભારત હાલમાં વિશ્વ શક્તિ નથી,પરંતુ નિશ્ચિત રૂપે મહામારી પછીના સમયમાં તે વિશ્વગુરૂ બનવાની ક્ષમતા ધરાવે છે.

હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ભાગવતે પૂર્વ સૈનિકોને સંબોધતા જણાવ્યું કે,મીડિયામાં અમને સરકારના રિમોટ કંટ્રોલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે,પરંતુ આ ખોટું છે.અમારા કેટલાક કાર્યકર્તાઓ સરકારનો હિસ્સો છે.સરકાર અમારા સ્વયંસેવકોને કોઈપણ પ્રકારનું આશ્વાસન નથી આપતી.લોકો અમને સવાલ કરે છે કે સરકાર પાસેથી અમને શું મળે છે.

આરોગ્યની સારવારમાં પ્રાચીન ભારતીય પદ્ધિતોએ અંગે સંઘના વડાએ જણાવ્યું કે,પારંપરિક ભારતીય ઉપચાર જેવા કે કાવો,ક્વાથ અને આરોગ્યશાસ્ત્રથી આપણી ઓળખ છે.હવે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારતીય મોડલનું અનુકરણ કરવા માંગે છે.આપણો દેશ ભલે વિશ્વ શક્તિ ન બને,પરંતુ વિશ્વગુરૂ જરૂર બની શકે છે.

આરએસએસ પ્રમુખે સરસૈન્યવડા જનરલ બિપિન રાવત અને 13 અન્ય લોકોના નિધન બદલ એક મિનિટનું મૌન પાળ્યું હતું.તાજેતરમાં જ તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામના નિધન થયું હતું.મોહન ભાગવતના મતે ભારતીયોનું ડીએનએ એક જ છે.40 હજાર વર્ષ અગાઉના ભારતના લોકોનું ડીએનએ એજ છે જે આજના લોકોનું છે.આપણા તમામના વડવાઓ એક જ છે.આ પૂર્વજોને લીધે આપણો દેશ ફૂલ્યો-ફાલ્યો અને આપણી સંસ્કૃતિ ટકી રહી.મોહન ભાગવત હિમાચલ પ્રદેશના પાંચ દિવસના પ્રવાસે ગયા છે.સૂત્રોના મતે તેઓ તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામા સાથે મુલાકાત કરી શકે છે.

Share Now