– વડાપ્રધાન દેશના નેતા છે,કોઈ પાર્ટીના નેતા નથી : કેરળ હાઇકોર્ટ
– અરજદારે ફક્ત પ્રચાર મેળવવા અને રાજકીય ઇરાદાથી અરજી કરી : કોર્ટ
કોચી : કોવિડ-૧૯ના રસીકરણ પ્રમાણપત્રો પરથી વડાપ્રધાનનો ફોટો હટાવવાના કેસની કેરળ હાઈકોર્ટે મંગળવારે સુનાવણી કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન કોઈ રાજકીય પક્ષના જ સર્વોચ્ચ નેતા નથી.તે દેશના નેતા છે.તેની સાથે કોર્ટે આ પ્રકારની અરજીને ફગાવી દેતા અરજદારને એક લાખનો દંડ ફટકાર્યો હતો.કોર્ટે આ અરજીને એકદમ વાહિયાત ગણાવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના સમયગાળામાં નાગરિકોને વડાપ્રધાનના ફોટાની સાથે તેમના મનોબળ વધારતા સંદેશવાળું રસીકરણનું પ્રમાણપત્ર લઈ જવામાં શરમ અનુભવવાની જરૂર નથી.કોર્ટે જણાવ્યું હતું કે કોઈ એમ ન કહી શકે કે વડાપ્રધાન કોંગ્રેસના છે કે ભાજપના છે.વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે.સરકારની નીતિઓ અને વડાપ્રધાનનું પણ રાજકીય વલણ જુદુ-જુદુ હોઈ શકે છે.પણ નાગરિકોનું મનોબળ વધારતા સંદેશની સાથે વડાપ્રધાનના ફોટાવાળુ રસીકરણ પ્રમાણપત્ર લઈ જવામાં શરમ અનુભવવાની જરૂર નથી.પીએમના ફોટાવાળા પ્રમાણપત્રમાં ફોટાની સાથે સંદેશ આપ્યો છે કે દવા અને આકરા નિયંત્રણોની મદદથી ભારત વાઇરસને હરાવી દેશે,તેમા ખોટું શું છે.કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની અરજી એકદમ વાહિયાત હતી,તે ફક્ત પ્રચાર મેળવવા અને લાઇમલાઇટમાં રહેવા કરવામાં આવી હતી.તેની પાછળ અરજદારનો રાજકીય ઇરાદો પણ દેખાય છે.
ન્યાયાધીશ પીવી કુન્હીકૃષ્ણને જણાવ્યું હતું કે દેશના એક નાગરિકનો કોર્ટ સમક્ષ રસીકરણ પ્રમાણપત્ર પર પર પીએમના ફોટાથી તેની પ્રાઇવસીનો ભંગ થાય છે તેવો તર્ક સાવ વાહિયાત છે.કોઈપણ નાગરિક પાસેથી આ પ્રકારના વલણની કલ્પના નથી. જો અરજદાર પીએમનો ફોટો જોવા માંગતો નથી અથવા તો તેને શરમ આવે છે તો તે સર્ટિફિકેટના નીચેના હિસ્સા પર જ નજર નાખે.