- બ્લાસ્ટનો એક સળિયો અડધો કિમી દૂર તુલસી ટાઉનશિપમાં પડેલી કાર સાથે અથડાયો હતો
- આ પ્રકારની ઘટનાઓ ટ્રેનોના મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે
-વડોદરામાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં કંપનીની સામે આવેલી સોસાયટીઓના રહીશો સાથેની વાતચીતમાં મોટો ઘટસ્ફોટ થયો છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રેન પસાર થયાની એક મિનિટ બાદ જ બ્લાસ્ટ થયો હતો.જો,ટ્રેન એક મિનિટ મોડી પડી હોત તો મોટી દુર્ઘટના થઇ હોત. અહીંથી અમદવાદ-મુંબઇ રેલવે લાઇન પસાર થાય છે અને દર 10 મિનિટે એક ટ્રેન પસાર થાય છે.સૌથી મોટી વાત એ છે કે,બુલેટ ટ્રેન પણ અહીંથી રેલવે ટ્રેકને અડીને જ પસાર થવાની છે,ત્યારે આ ઘટના ભવિષ્યની સુરક્ષા પર સવાલ પેદા કરે છે.કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.જેમાં માતા-પુત્રની સહિત 4ના મોત થયા છે.
બ્લાસ્ટની એક મિનિટ પહેલા જ ટ્રેન પસાર થઇ
તુલસી ટાઉનશિપના રહેવાસી આશા શર્માએ જણાવ્યું હતું કે,સવારે 9 વાગ્યાની આસાપાસ બ્લાસ્ટ થયો હતો. આ સમયે અમારૂ ઘર હલવા લાગ્યું હતું.એક પાઇપ અમારી ગાડીને અડીને અમારા ઘર પાસે આવીને પડ્યો હતો.એ સમયે જ અમારી કામવાળીનો આવવાનો સમય હતો.પરંતુ,તે થોડી મોડી આવતા બચી ગઇ હતી.એક મિનિટ પહેલા જ ટ્રેન પસાર થઇ હતી.ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો.ટ્રેન આવવાના સમયે બ્લાસ્ટ થયો હોત તો. મોટી દુર્ઘટના થઇ હોત.પતરા ઉડીને અમારી સોસાયટીમાં આવીને પડ્યા
પ્રત્યક્ષદર્શી નજમાબેને જણાવ્યું હતું કે,મારી જિંદગીમાં પહેલીવાર આવો ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.ધરતી ધ્રુજી ગઇ હતી.પતરા ઉડીને અમારી સોસાયટીમાં આવી ગયા હતા.ટ્રેન નીકળી અને થોડીવારમાં જ બ્લાસ્ટનો અવાજ આવ્યો છે.ટ્રેન નીકળવાના સમયે જો બ્લાસ્ટ થયો હોત તો બહુ મોટું નુકસાન થયું હોત.ટ્રેનમાં કોઇ બચ્યુ ન હોત. નસીબ સારૂ કહેવાય કે,ટ્રેન આગળ નીકળી ગયા પછી ધડાકો થયો.સ્થાનિક દર્શનભાઇએ જણાવ્યું હતું કે,બ્લાસ્ટના ફોર્સથી અમારા ઘરના દરવાજાનો લોક તૂટી ગયો હતો અને સળીયો આવીને અમારા ટેરેસ પર પડ્યો હતો.