વડોદરા : વડોદરામાં વડસર બ્રિજ નજીક મકરપુરા ઔદ્યોગિક વસાહતમાં શુક્રવારે સવારે કેન્ટોન લેબોરિટેરિઝ નામની કંપનીમાં બોઈલર ફાટવાથી પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ પછી કંપનીમાં આગ પણ ફેલાઈ હતી.આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.આ ઉપરાંત બોઈલર ફાટવાથી 14-15 લોક ઘાયલ થયા હોવાનું પણ જણાયું છે.બોઈલર ફાટવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.આ દુર્ઘટનામાં ફેક્ટરીની નજીક જ રહેતા મજૂર પરિવારના બાળકોને પણ ઈજા થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગી તે પૂર્વે જોરદાક ધડાકો થયો હતો.કંપનીમાં રહેલું બોઈલર બ્લાસ્ટ થયું હોવાથી પ્રચંડ વિસ્ફોટ સાથે આસપાસનો વિસ્તારણ ધણધણી ઉઠ્યો હતો.સ્થાનિકોના મતે બોઈલર ફાટ્યું ત્યારે ભૂકંપ જેવા આંચકાનો અનુભવ થયો હતો.બ્લાસ્ટને લીધે નજીકના મકાનો અને ઓફિસોના કાંચ પણ ફૂટી ગયા હતા.કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી હોવાનું જાણવા મળ્યું છે.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.જો કે સત્તાવાર મોતનો આંકડો વધવાની આશંકા છે.
કંપનીમાં સેફ્ટીના સાધનોને લઈને ગુનાઈત બેદરકારી હોવાનું પણ બહાર આવ્યું છે.સ્થાનિક તંત્ર અને ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી છે.આ સમગ્ર ઘટના પાછળનું કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પીડિત પરિવારોએ સરકાર પાસે ન્યાયની સાથે વળતરની પણ માંગ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ સવારે 9.00 કલાકે નજીકમાં આવેલા રેલવે લાઈન પરથી એક ટ્રેન પસાર થઈ હતી.આ ટ્રેન પસાર થઈ ગયા બાદ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને બાદમાં આગ લાગી હતી.કેમિકલ કંપનીમાં ફાયર સેફ્ટી અને સાધનો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.જો કે આ અંગે વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે.