મુંબઇ : મુંબઇમાં એક તરફ ફૂલગુલાબી ઠંડીનો મજેદાર માહોલ સર્જાયો છે.તો બીજીબાજુ હવાની ગુણવત્તા ચિંતાજનક બની રહી છે.હવાની ગુણવત્તા ખરાબ હોવાથી શહેરનાં નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર થઇ રહી હોવાના સમાચાર મળે છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર) ના ડાયરેક્ટર ડો.ગુફ્રાન બેગે પુણેથી ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે ૨૪,ડિસેમ્બરે મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ આંક (એર ક્વોલિટી ઇન્ડેક્સ-એક્યુઆઇ) ૨૦૪ નોંધાયો હતો.આટલો આંક હવાની ખરાબ ગુણવત્તાની શ્રેણીમાં આવે છે.હાલ શિયાળાની મોસમ હોવાથી વાતાવરણમાં ઠંડીનો માહોલ છે.ઠંડા વાતાવરણને કારણે હવામાં તરતાં પ્રદૂષિત રજકણો એકબીજાં સાથે જોડાઇ જાય અને વધુ ઘટ્ટ બને.પરિણામે તે પ્રદૂષિત રજકણોનું વજન વધે અને તે વાતાવરણના નીચેના પટ્ટામાં તરતાં રહે.
ઉપરાંત,હાલ મુંબઇમાં પવનની ગતિ પણ મંદ છે.પવનની મંદ ગતિને કારણે પેલાં પ્રદૂષિત રજકણો વાતાવરણમાં સ્થિર રહે.પરિણામે હવાની ગુણવત્તા ખરાબ રહે.પવનની ગતિ વધુ હોય તો તે રજકણો દૂર દૂર સુધી ફેંકાઇ જાય અને હવાની ગુણવત્તા સારી રહે.
મુંબઇમાં શિયાળામાં ક્યારેક પ્રદૂષણ (સ્મોક) અને ધુમ્મસ (ફોગ) બંને ભેગાં થઇ જતાં હોય છે.પરિણામે સ્મોગ(સ્મોક અને ફોગ બંને શબ્દો ભેગા કરીને સ્મોગ)ની ચિંતાજનક પરિસ્થિતિ પણ સર્જાય.આવું સ્મોગ જોકે મુંબઇની જાહેર તંદુરસ્તી માટે ખરેખર ચિંતાજનક ગણાય.
એક તબીબે એવી માહિતી આપી હતી કે મુંબઇની હવાની ગુણવત્તા છેલ્લા એક મહિના કરતાં પર વધુ સમયથી ખરાબ રહેતી હોવાથી ઉધરસ,કફ,અસ્થમા,આંખમાં બળતરા થવી,શ્વાસોચ્છવાસમાં તકલીફ થવી,એલર્જી વગેરે જેવી સમસ્યાનાં દરદીઓની સંખ્યા પણ વધી રહી છે.ચિંતાજનક બાબત તો એ છે કે જે લોકોને અગાઉ ક્યારેય પણ આંખમાં બળતરા થવી કે કફ-ઉધરસ નથી થયાં તેઓને પણ પ્રદૂષણની વિપરીત અસર થઇ રહી છે.
સફરનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે બોરીવલીની હવાની ગુણવત્તાનો આંક મધ્યમ નોંધાયો હતો (પીએમ-૧૦ઃ૧૪૮ અને પીએમ-૨.૫ ૧૪૯),મલાડ-૧૨૧-૨૨૧(ખરાબ),અંધેરી-૧૫૯ઃ૨૨૮(ખરાબ),બી.કે.સી.-૧૫૯ ૨૨૫(ખરાબ),ચેમ્બુર-૧૫૨ઃ૨૦૧(ખરાબ),વરલી-૭૬ઃ૮૦(સંતોષકારક),કોલાબા-૧૪૯ઃ૨૬૬(ખરાબ),ભાંડુપ-૧૦૯ ૯૭(સંતોષકારક),નવી મુંબઇ -૧૮૦ઃ૨૬૨(ખરાબ)નોંધાયો હતો.