વડોદરામાં માતા લટકતી હતી ને અઢી વર્ષનો પુત્ર રડતો હતો, પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

272
  • પરિણાતાએ પંખાના હૂક સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

દહેજની ભૂખ ન સંતોષતા સાસરિયાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી. તેવી ફરિયાદ આપઘાત કરી લેનાર પરિણીતાના પિતાએ દીકરીના સાસરિયાઓ સામે નોંધાવી છે. વડોદરા પોલીસે ફરિયાદના આધારે પતિ તથા સાસુ-સસરા વિરૂદ્ધ દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત 6 ડિસેમ્બરના રોજ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે અઢી વર્ષનો પુત્ર રડી રહ્યો હતો.

દહેજની માગણી કરી સતત ત્રાસ આપતા હતા : આ બનાવની વિગત એવી છે કે,શહેરના ગોરવા વિસ્તારમાં મહેન્દ્રભાઈ રહે છે.તેમને સંતાનમાં માત્ર એક દીકરી હતી.તેમની દિકરીના અગાઉ લગ્ન બાદ છૂટાછેડા થતાં બીજા લગ્ન વર્ષ 2018 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ નીરજ ડાભી (રહે. તરસાલી- મૂળ, સાવલી) સાથે થયા હતા.પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,આ લગ્નજીવન દરમિયાન મારી દીકરીને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે.તા.6 ડિસેમ્બરના રોજ સુરત ખાતે રહેતી જમાઈની માતા ઉર્વશી બેનને નાણાંની જરૂરિયાત ઉભી થતાં મારી દીકરી પાસે નાણા માંગ્યા હતા.

પતિ સાથે ઝઘડા બાદ પત્નીએ આપઘાત કરી લીધો : ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે,મારી પાસે પણ નાણાં ના હોય હું મદદ કરી શક્યો ન હતો. આ વાતને લઈને જમાઈ તથા દીકરી વચ્ચે ઝઘડો થયો હતો.બીજા દિવસે જમાઈ નોકરી ઉપર ગયા હતા અને દીકરી ઉપરના માળે સુવા માટે ગઈ હતી. તે સમયે તેના દીકરાનો રડવાનો અવાજ આવતા હું ઉપરના માળે દોડી ગયો હતો.જ્યાં દીકરીના રૂમનો દરવાજો ખોલી જોતા દીકરીએ પંખાના હૂક સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું નજરે ચડ્યું હતું.

વોટ્સએપ ચેટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થયાના મેસેજ મળ્યા : દીકરીનો મોબાઈલ ફોન ચકાસતા વોટ્સએપ ચેટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થયાના મેસેજ મળ્યા હતા. અગાઉ મારી દીકરીને તેના સાસુ,સસરા તથા જમાઈએ દહેજ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.જોકે સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળી મારી દીકરીએ આપઘાતનું પગલું ભર્યું છે.ગોરવા પોલીસે ફરિયાદના આધારે પતિ,સાસુ અને સસરા સામે દહેજ માટે પરિણીતાને મોત માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share Now