– પ્રદેશની દરેક વ્યક્તિ દારૂ માટે પ્રતિમાસ 12 હજાર રૂપિયા ખર્ચે છે, દારૂ પીનારા એક કરોડ લોકો ભાજપને મત આપે : સોમૂ વીરરાજુ
નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર : આંધ્ર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સોમૂ વીરરાજૂનું એક ખૂબ જ વિચિત્ર નિવેદન સામે આવ્યું છે.તેમણે જણાવ્યું કે, જો ભાજપ સત્તામાં આવશે તો પ્રદેશમાં 50 રૂપિયામાં ગુણવત્તાયુક્ત દારૂની ક્વાર્ટર બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.વર્તમાન સમયમાં પ્રદેશમાં ગુણવત્તાયુક્ત દારૂની ક્વાર્ટર બોટલ 200 રૂપિયામાં મળી રહી છે.
સોમૂ વીરરાજૂ મંગળવારે પાર્ટીની જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વીરરાજૂએ રાજ્ય સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, રાજ્યમાં નકલી બ્રાન્ડનો દારૂ ઉંચા ભાવે વેચવામાં આવી રહ્યો છે.જ્યારે સારી બ્રાન્ડનો દારૂ રાજ્યમાં ઉપલબ્ધ જ નથી.
દરેક વ્યક્તિ દારૂ માટે 12 હજાર રૂ. ખર્ચે છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ‘પ્રદેશની દરેક વ્યક્તિ દારૂ માટે પ્રતિમાસ 12 હજાર રૂપિયાનો ખર્ચો કરે છે. રાજ્યમાં એક કરોડ લોકો દારૂ પીવે છે. હું ઈચ્છું છું કે, આ એક કરોડ લોકો ભાજપને મત આપે.ભાજપની સરકાર આવશે એટલે તેમને 75 રૂપિયામાં ગુણવત્તાયુક્ત દારૂની બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જો રેવન્યુ સારી રહી તો 50 રૂપિયા પ્રતિ બોટલ પણ વેચાશે.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારના માણસો જ દારૂની ફેક્ટરીઓ ધરાવે છે જે રાજ્યમાં હલકી ગુણવત્તાનો દારૂ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.