દેશ અને વિદેશની પાર્લામેન્ટમાં દેશને લગતા પ્રશ્નોના નિરાકરણની પ્રક્રિયા અને પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવતા હોય છે.પરંતુ,ઘણીવાર પાર્લામેન્ટ રાજનૈતિક પાર્ટીઓ માટે અખાડો બની જાય છે અને નાની એવી વાતમાં સંસદની અંદર સાંસદો બાખડી પડે છે.આવી જ એક ઘટના જોર્ડનની સંસદમાં બની હતી.જોર્ડનના નાગરિકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.
મંગળવારે જોર્ડનની સંસદમાં એસેમ્બલી સ્પીકરે ડેપ્યુટીને બહાર જવાનો આદેશ આપતા જ,બેઠેલા ડેપ્યુટી વચ્ચે માથાકૂટ અને બોલચાલ શરુ થઈ ગઈ હતી.અમૂક ડેપ્યુટીએ ગુસ્સા પરથી કાબૂ ગુમાવતા તેમની વચ્ચે મારામારી શરુ થઈ ગઈ હતી અને વાતાવરણ એકાએક તંગ બની ગયું હતું.આ દરમિયાન અનેક સાંસદોએ ઝઘડતા સાંસદોને છૂટા પડયા હતા.
ઘટનાના સાક્ષી બનેલા સાંસદે બહાર આવીને પ્રેસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે,આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને ડેપ્યુટીનું આવું વર્તન ગેરકાયદેસર છે.સમગ્ર દુનિયા સમક્ષ આપણા દેશની છબી ખરડાઈ છે.આ ઘટનાની એક વીડિયો પણ સામે આવી છે.જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.