- નરસિંહાનંદ સરસ્વતી પોતે પણ હરિદ્વાર ખાતેની ધર્મ સંસદનો હિસ્સો રહ્યા હતા જેમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા
નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર,શુક્રવાર : ધર્મગુરૂ કાલીચરણ બાદ હવે ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંતે મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે મહાત્મા ગાંધીને ‘ગંદકી’ ગણાવ્યા છે.મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી ગિરીએ હરિદ્વાર ખાતે કહ્યું હતું કે,ધર્મગુરૂ કાલીચરણની ધરપકડ થઈ એ ખોટું થયું છે.
ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલા રાયપુર ખાતે યોજાયેલી એક ધર્મ સંસદમાં ધર્મગુરૂ કાલીચરણે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા.તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા પણ કરી હતી.ત્યાર બાદ ગુરૂવારે મધ્ય પ્રદેશના છતરપુર ખાતેથી ધર્મગુરૂની ધરપકડ કરવામાં આવી હતી.ધર્મગુરૂની ધરપકડ બાદ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સરકાર સામસામે આવી ગઈ હતી.નરસિંહાનંદ સરસ્વતી પોતે પણ હરિદ્વાર ખાતેની ધર્મ સંસદનો હિસ્સો રહ્યા હતા જેમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા.
ડાસના મંદિરના મહંતે કહ્યું કે,’ગાંધી નામની ગંદકીના કારણે જેણે સ્વામી કાલીચરણ મહારાજની ધરપકડ કરી છે,મા કાલી અને મહાદેવ તેમનો વિનાશ કરશે.તેમણે કાલીચરણના નિવેદન સાથે સંત સમાજને શત પ્રતિશત સહમત ગણાવ્યો હતો.મહંતે કહ્યું કે,સંત સમાજ કાલીચરણ મહારાજની સાથે છે.’તે સિવાય કાલીચરણ મહારાજને જલ્દી જામીન નહીં મળે તો છત્તીસગઢના મુખ્યમંત્રી આવાસ ખાતે જઈને આમરણાંત અનશન કરવાની વાત પણ કરી હતી.
કાલીચરણ મહારાજે શું કહેલું..
કાલીચરણ મહારાજે કહ્યું હતું કે,’ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે.આપણી આંખોની સામે તેમણે 1947માં કબજો જમાવ્યો હતો.તેમણે પહેલા ઈરાન,ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો જમાવ્યો હતો.હું નાથુરામ ગોડસેને સલામ કરૂં છું કે,તેમણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.’આમ કહીને તેમણે ગાંધીને અપશબ્દ પણ કહ્યા હતા.