- આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો
નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર : કાનપુરના અત્તરના કારોબારી પિયૂષ જૈન પરની કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે હવે પુષ્પરાજ જૈનના ત્યાં દરોડો પાડ્યો છે.પુષ્પરાજ જૈન સમાજવાદી પાર્ટીના એમએલસી છે અને તેમણે સમાજવાદી અત્તર બનાવ્યું હતું.જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ સવારે 7:00 કલાકે પુષ્પરાજ જૈનના ઘરે પહોંચી હતી.પિયૂષ જૈનની માફક પુષ્પરાજ જૈન પણ કન્નૌજના અત્તરના કારોબારી છે.
જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ પુષ્પરાજ જૈનના ઘર,ઓફિસ સહિત 50 સ્થળોએ તપાસ કરી રહી છે.આવકવેરા વિભાગની ટીમોએ ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ દરોડો પાડ્યો છે.પ્રાથમિક જાણકારી પ્રમાણે ટેક્સચોરીના આરોપમાં આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો છે.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પુષ્પરાજ જૈને એમ કહ્યું હતું કે,કારોબારીઓ આગળ વધશે તો દેશ પણ આગળ વધશે.તેમણે કહ્યું હતું કે,સરકારે કારોબારીઓ માટે વ્યાપારિક માહોલ બનાવવો જોઈએ જેથી દેશને ફાયદો થાય.સમાજવાદી પરફ્યુમ બતાવીને તેમણે કહ્યું હતું કે,તેઓ તે પરફ્યુમ સપાની ઓફિસમાં ફ્રીમાં વહેંચે છે,તેનાથી દુશ્મનીનો અંત આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે,આ કઠિન સમય છે તેવામાં સરકારે એવી નીતિઓ બનાવવી જોઈએ જેથી
લોકોને કારોબાર કરવામાં આનંદ આવે.કારણ કે,વેપાર સમૃદ્ધ થશે તો દેશ વધશે.તેમણે કહ્યું હતું કે,સરકારે અત્તરના ઉદ્યોગને ટેક્સમાં છૂટ આપવા અંગે વિચાર કરવો જોઈએ.