– છત્તિસગઢ પોલીસના પગલાંથી મ. પ્રદેશના ગૃહમંત્રી ધૂંઆપૂંઆ
– સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જ છત્તિસગઢ પોલીસે મહારાજની ધરપકડ કરતાં પ્રોટોકોલનો ભંગ કર્યો : મિશ્રા
રાયપુર, તા.૩૦ : છત્તિસગઢ પોલીસે મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાજનક ભાષાનો ઉપયોગ કરનારા કાલિચરણ મહારાજની પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં ખજૂરાહોથી ધરપકડ કરી હતી.જોકે, રાયપુર પોલીસના આ પગલાંથી કોંગ્રેસ શાસિત છત્તિસગઢ અને ભાજપ શાસિત મધ્ય પ્રદેશની સરકારો આમને-સામને આવી ગઈ છે.મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કાલિચરણ મહારાજની ધરપકડ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે છત્તિસગઢ પોલીસે સ્થાનિક પોલીસને માહિતી આપ્યા વિના કરેલી ધરપકડ ખોટું પગલું છે.જોકે કોંગ્રેસી સીએમ ભૂપેશ બઘેલ અને છત્તિસગઢના ગૃહમંત્રીએ કહ્યું કે છત્તિસગઢ પોલીસે નિયમોનો કોઈ ભંગ કર્યો નથી.છત્તિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે એમ પણ જણાવ્યું હતું કે ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપનારા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા સામે લેવાયેલા પગલાંથી ભાજપ ખુશ છે કે નહીં.
રાયપુરમાં યોજાયેલ ધર્મસંસદમાં કાલિચરણ મહારાજે મહાત્મા ગાંધી પર અભદ્ર ટીપ્પણી કર્યા પછી રાયપુરના ટિકરાપાર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કલમ ૨૯૪, ૫૦૫બી, ૨૯૫એ, ૫૩એ હેઠળ કેસ નોંધાયો હતો.ત્યાર પછી પોલીસ તેમને શોધી રહી હતી. પોલીસમાં એફઆઈઆર નોંધાયા પછી કાલિચરણનો એક વીડિયો સામે આવ્યો હતો,જેમાં તેમણે પોતાના નિવેદન સામે માફી માગવાનો ઈનકાર કરી દીધો હતો.ચોક્કસ બાતમીના આધારે રાયપુર પોલીસે મધ્ય પ્રદેશના ખજુરાહો શહેરથી ૨૫ કિ.મી. દૂર બાગેશ્વર ધામ નજીક ભાડાના એક મકાનમાંથી કાલિચરણ મહારાજ ઉર્ફે અભિજિત ધનંજય સારંગની વહેલી સવારે ૪.૦૦ વાગ્યે ધરપકડ કરી હતી તેમ રાયપુરના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું.અધિકારીએ ઉમેર્યું હતું કે, કાલિચરણ મહારાજને શોધવા માટે રાયપુર પોલીસની ત્રણ અલગ અલગ ટીમોને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને દિલ્હી મોકલાઈ હતી.મધ્ય પ્રદેશ મોકલાયેલી સાત સભ્યોની ટીમને કાલિચરણની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.તેને ગુરુવારે સાંજે રોડ માર્ગે રાયપુર લવાયા હતા અને ૨૪ કલાકની કસ્ટડી સાથે કોર્ટમાં હાજર કરાશે.
જોકે, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ છત્તિસગઢ પોલીસના આ પગલાં સામે ‘સખત વાંધો’ ઉઠાવ્યો હતો.તેમણે કહ્યું કે, આ બાબતમાં છત્તિસગઢ પોલીસે જે રીતે કામ કર્યું છે તે વાંધાજનક છે.છત્તિસગઢ પોલીસે આંતર-રાજ્ય પ્રોટોકોલનો ભંગ છે.તેમણે મધ્ય પ્રદેશના ડીજીપીને તાત્કાલિક છત્તિસગઢના ડીજીપી સાથે વાત કરવાના અને આ ધરપકડ સામે મજબૂત વાંધો ઉઠાવવા નિર્દેશ આપ્યા હતા.તેમણે આ અંગે છત્તિસગઢ પોલીસ પાસેથી ખુલાસો પણ માગ્યો હતો.દરમિયાન છત્તિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પડોશી રાજ્યમાંથી કાલિચરણ મહારાજની ધરપકડમાં પ્રોટોકોલનો ભંગ થયો હોવાનો ઈનકાર કર્યો હતો.બઘેલે કહ્યું કે, પહેલાં તો નરોત્મ મિશ્રાએ કહેવું જોઈએ કે મહાત્મા ગાંધીજી અંગે અભદ્ર ટીપ્પણી કરનારાની ધરપકડથી તેઓ ખુશ છે કે નહીં.