લખીમપુર હિંસા કેસમાં 5000 પાનાની ચાર્જશીટ દાખલ, કેન્દ્રીય મંત્રીનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી

185
  • એસઆઇટીએ મુખ્ય આરોપી આશિષ મિશ્રા અને અન્ય 13 લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે

લખનઉ : લખીમપુર ખેરી હિંસા કેસમાં આજે એસઆઇટીએ મુખ્ય આરોપી આશિષ મિશ્રા અને અન્ય 13 લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.હિંસાના 88 દિવસ બાદ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એસઆઇટીએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુને મુખ્ય આરોપી બતાવ્યો છે.સીટે પાંચ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે આશિષ મિશ્રા ઘટનાસ્થળે હાજર હતો.

અગાઉ લખીમપુર હિંસા કેસમાં એસઆઈટીએ અકસ્માતની કલમો હટાવીને તેની જગ્યાએ હત્યાનો પ્રયાસ,અંગછેદન,એક મત થઇને ગુનો કરવો અને હથિયારોના દુરુપયોગની કલમો ઉમેરી હતી.ખાસ વાત એ છે કે એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં સ્વીકાર્યું છે કે,આ ગુનો કોઈ બેદરકારીનું પરિણામ નથી,પરંતુ ઈરાદાપૂર્વક કાવતરું અને હત્યાના ઈરાદાથી આચરવામાં આવ્યું છે.

આ ખુસાલા બાદ તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. SITએ હવે તમામ આરોપીઓ વિરુદ્ધ કલમ 307,326,302,34,120 B,147,148,149 હેઠળ કેસ નોંધ્યો છે.અગાઉ,લખીમપુર ઘટનાના દોષિતો સામે IPCની કલમ 279, 338, 304A હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે,લખીમપુરના તિકુનિયામાં 3 ઓક્ટોબરના રોજ બનેલી ઘટનામાં ચાર ખેડૂતો સહિત પાંચના મોત થયા હતા.ખેડૂતોનો આરોપ છે કે જે એસયુવીના કચડવાથી ખેડૂતોના મોત થયા છે તે અજય મિશ્રા ટેનીની હતી અને તેનો પુત્ર આશિષ મિશ્રા તેને ચલાવી રહ્યો હતો.જે બાદ આખરે પોલીસે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 9 ઓક્ટોબરે આશિષની ધરપકડ કરી હતી.

Share Now