– મેઘાલયના રાજ્યપાલનો વડાપ્રધાન અંગે ટીપ્પણીનો વીડિયો વાઇરલ
– બંધારણીય હોદ્દા પરની વ્યક્તિ અંગે અણછાજતી ટિપ્પણી તે ભાજપનું ચરિત્ર બતાવે છે : મલ્લિકાર્જુન ખડગે
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી પાગલ છે, આ શબ્દો સાંભળીએ તો કોઈને એવું જ લાગે કે વિપક્ષના કોઈ નેતા તેની ટીકા કરવા ઉતરી આવ્યા છે.પણ આ વાત બીજા કોઈએ નહી પણ તેમના જ ગાઢ સહયોગી અમિત શાહે કરી હોવાનું સત્યપાલ મલિકે જણાવ્યું છે.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે તેમની વડાપ્રધાન મોદી બાદ શાહ સાથે મુલાકાત થઈ ત્યારે અમિત શાહે આમ જણાવ્યું હોવાનું કહેતો વિડીયો વાઇરલ થયો છે.
આ પ્રકારનો વિડીયો વાઇરલ થવાના પગલે મચેલા ઉહાપોહના પગલે સત્યપાલ મલિકે તરત જ સ્પષ્ટતા કરવી પડી છે.તેમણે જણાવ્યું હતું કે અમિત શાહ વડાપ્રધાન મોદી પ્રત્યે પૂરેપૂરુ સન્માન ધરાવે છે.તેમના કહેવાનું તાત્પર્ય એ હતું કે વડાપ્રધાનને કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેઓ ભવિષ્યમાં તમારી વાત સમજશે.તેમણે આ પહેલા જણાવ્યું હતું કે કૃષિ કાયદા અંગે ખેડૂત આંદોલન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી લડાઈ થઈ હતી. તેઓ સાથે મારે પાંચ મિનિટ સુધી રીતસરનો સંઘર્ષ ચાલ્યો હતો.મેં તેમને કહ્યું હતું કે આ આંદોલનમાં ૫૦૦ લોકોના જીવ ગયા છે.તેમણે કહ્યું હતું કે તે જીવ મારા માટે ગયા છે.મેં તેમને જણાવ્યું કે હા, આ જીવ તમારા લીધે ગયા છે કેમકે રાજા તમે છો.તેમણે જણાવ્યું હતું કે ભાજપે જડતાસભર અભિગમ રાખવો જોઈએ નહી. વડાપ્રધાને કાયદા રદ કર્યા અને લોકોએ હવે તે વાત સ્વીકારી લીધી. તેના લીધે તેમની સામેનો અગાઉનો આક્રોશ ઠંડો પડી ગયો છે.તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પહેલા તો કૃષિ કાયદા અંગેની વાત માનવા જ તૈયાર ન હતા, જો તેમણે પહેલા આ વાત સાંભળી લીધી હોત તો જાનમાલનું આટલું નુકસાન બચાવી શકાયું હોત અને પક્ષને પણ તેટલું નુકસાન થતું બચાવી શકાયું હોત.
કોંગ્રેસને સ્વાભાવિક રીતે આ બાબતથી ચૂંટણી સમયે મહત્ત્વની તક મળી છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે આ જ તો ભાજપનું ચરિત્ર છે.બંધારણીય હોદ્દા પર બેઠેલી પોતાના જ પક્ષની વ્યક્તિ માટે જો તેઓ આ પ્રકારના ઉચ્ચાર કરતાં હોય તો પછી આવા જ હોદ્દા પર બેઠેલા બીજા પક્ષના હોદ્દેદારો અંગે તે કેવા પ્રકારનું વિચારતા હશે.