Big Breaking : ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ વાઈબ્રન્ટ સમિટ મોકૂફ, ફ્લાવર શો પણ રદ : રાજ્યમાં લોકડાઉનના અણસાર

255

અમદાવાદ : કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે આ નિર્ણય લેવાયો છે.આ સાથે જ અમદાવાદનો ફ્લાવર શો પણ રદ કરવામાં આવ્યો છે.અમદાવાદ રિવરફ્રન્ટ પર AMC દ્વારા આયોજિત ફ્લાવર શો પણ રદ કરવાની જાહેરાત કરાઈ છે.જેની સત્તાવાર જાહેરાત બપોરે સ્ટેન્ડિંગ કમિટીમાં કરાશે.

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે.કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ,સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે.

Share Now