સ્વામી વિવેકાનંદ જયંતી : જાણો સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા રોચક પ્રસંગો

176

– ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2022, બુધવાર : સ્વામી વિવેકાનંદજીની જયંતીને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય ‘યુવા દિવસ’ કે ‘સ્વામી વિવેકાનંદ જન્મદિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ 1863ના વર્ષમાં 12મી જાન્યુઆરીના રોજ થયો હતો. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો,રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે.આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે તેમને યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે.

ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જયંતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તો ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા કેટલાક રોચક પ્રસંગો.

મૂર્તિપૂજાનું ઔચિત્ય

અલવરના દીવાન રાજા મંગલ સિંહે 1891ના વર્ષમાં વિવેકાનંદને મુલાકાત માટે બોલાવ્યા હતા. મંગલ સિંહે વિવેકાનંદને કહ્યું હતું કે, ‘સ્વામીજી આ તમામ લોકો મૂર્તિપૂજા કરે છે. હું મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી ધરાવતો. મારૂં શું થશે?’ પહેલા તો સ્વામીજીએ કહ્યું કે, ‘સૌ કોઈને તેમનો વિશ્વાસ મુબારક.’ બાદમાં કશુંક વિચારીને સ્વામીજીએ રાજાનું ચિત્ર લાવવા માટે કહ્યું. જ્યારે દીવાલ પરથી ઉતારીને રાજાનું તૈલ ચિત્ર લાવવામાં આવ્યું તો સ્વામીજીએ દીવાનને તસવીર પર થૂંકવા માટે કહ્યું. આ સાંભળીને દીવાન ચોંકીને તેમના સામે જોવા લાગ્યા. ત્યારે સ્વામીજીએ કહ્યું કે, આ તો કાગળનો માત્ર એક ટુકડો છે છતાં તમે અચકાઈ રહ્યા છો કારણ કે, તમને સૌને ખબર છે કે, આ તમારા રાજાનું પ્રતીક છે. સ્વામીજીએ રાજાને કહ્યું, ‘તમે જાણો છો કે, આ માત્ર ચિત્ર છે, તેમ છતાં તેના પર થૂંકવા પર તમે અપમાનિત થયાનો અનુભવ કરશો. આ જ વાત એ સૌ લોકો પર લાગુ પડે છે જે લાકડાં,માટી અને પથ્થરની બનેલી મૂર્તિની પૂજા કરે છે. તેઓ એ ધાતુની નહીં પણ પોતાના ઈશ્વરના પ્રતીકની પૂજા કરે છે.’

મઠમાં સ્ત્રીઓના પ્રવેશ પર રોક

સ્વામી વિવેકાનંદ નિયમ અને કાયદાના પાક્કા હતા. તેમણે જે નિયમો બનાવ્યા હતા તે સૌના પર લાગુ થતા હતા.સ્વામી વિવેકાનંદના મઠમાં કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ નિષેધ હતો.એક વખત સ્વામીજી બીમાર પડી ગયા તેવામાં તેમના શિષ્યોએ તેમના માતાને વિવેકાનંદને જોવા માટે મઠમાં પ્રવેશ આપી દીધો.પરંતુ સ્વામીજી આ વાતને લઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા.વિવેકાનંદે પોતાના શિષ્યો પર રોષે ભરાઈને કહ્યું હતું કે, ‘તમે લોકોએ એક મહિલાને અંદર શા માટે આવવા દીધી? મેં જ નિયમ બનાવ્યો અને મારા માટે જ નિયમ તોડવામાં આવી રહ્યો છે!’ વિવેકાનંદે શિષ્યોને સ્પષ્ટ કહી દીધું હતું કે, મઠના કોઈ નિયમને તેમના માટે પણ ન તોડવામાં આવે.

Share Now