અબુધાબી: યુએઇની રાજધાની અબુધાબીમાં થયેલો ડ્રોન હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની સહિત ત્રણના મોત થયા છે અને છને ઇજા થઈ છે.ત્રણ ઓઇલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલાના લીધે ટેન્કર ફાટતા ત્રણના મોત થયા છે.આ ઉપરાંત અબુધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નવા બંધાયેલા એક વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી,એમ સરકારી ન્યૂઝ એજન્સી એમિરેટ્સ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું.
ત્રણ પેટ્રોલિયમ ટેન્કરમાં વિસ્ફોટ થવાના લીધે મુસાફહ આઇસીએડી-૩ વિસ્તાર નજીક આગ ફાટી નીકળી છે.પ્રાથમિક તપાસ જણાવે છે કે ત્રણ નાના ઉડતા પદાર્થ જે મુખ્યત્વે ડ્રોન મનાય છે તે આ બે વિસ્તારમાં પડયા હતા.આગ અંકુશમાં છે.
અબુધાબી પોલીસે માર્યા ગયેલા બે ભારતીયો અને પાકિસ્તાનીની ઓળખ કરી છે.બીજા છ જણાને હળવી ઇજા થઈ છે.યુએઇ સ્થિત ભારતીય રાજદૂતાવાસે જણાવ્યું છે કે તેઓ સત્તાવાળાઓના સંપર્કમાં છે અને વધારે વિગતોની રાહ જોઈ રહ્યા છે.
યુએઇ સ્થિત ભારતીય રાજદૂતાવાસે ટવીટ કર્યુ હતું કે યુએઇ સત્તાવાળાઓએ એડનોકની સ્ટોરેજ ટેન્ક નજીક મુસાફહ ખાતે વિસ્ફોટ થયાની જાણકારી આપી છે.તેના લીધે ત્રણના મોત થયા છે અને તેમા બે ભારતીયો છે.
સત્તાવાળાઓએ આગનું કારણ શોધવા વ્યાપક પાયા પર તપાસ આદરી છે.જો કે આ બે બનાવના લીધે વ્યાપક નુકસાન થયું નથી.યુએઇએ આ હુમલા માટે હાલમાં તો કોઈને દોષિત ઠેરવ્યા નથી,પણ યેમેનનના હુથી બળવાખોરોએ જણાવ્યું છે કે તેઓએ યુનાઇટેડ આરબ અમેીરેટ્સ (યુએઇ)ને લક્ષ્યાંક બનાવ્યું છે.ભૂતકાળમાં પણ સાઉદી અરેબિયાના ઓઇલ એકમો પરના હુમલાની જવાબદારી હુથી બળવાખોરોએ સ્વીકારી હતી.