- તામિલનાડુ ઇલોન મસ્કને આમંત્રણ આપનારૂં પાંચમું રાજ્ય.ઇલેક્ટ્રિક વાહનો પર આયાત ડયૂટી ઘટાડવા ઇલોન મસ્કની રજૂઆત ભારત સરકારે નકારી કાઢી
મુંબઈ : વીજ વાહનનું ઉત્પાદન કરતી ટેસ્લાના માલિક ઇલોન મસ્કને તેલંગણા બાદ હવે મહારાષ્ટ્ર તથા પંજાબ સરકારે પોતાના રાજ્યમાં ઉત્પાદન એકમ સ્થાપવા આમંત્રણ આપ્યું છે.પશ્ચિમ બંગાળે પણ મસ્કને પ્લાન્ટ સ્થાપવામાં મદદની ખાતરી આપી છે.તેના પછી તમિલનાડુ મસ્કને તેને ત્યાં પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપનારૂં પાંચમું રાજ્ય બન્યું છે.તેની સાથે તેમણે મસ્કને રીન્યુએબલ એનર્જી (અક્ષય ઊર્જા)માં સરકાર સાથે ભાગીદાર થવાની ઓફર પણ કરી છે.
તમિલનાડુના પ્રધાન થંગમ થેનારસુએ જણાવ્યું હતું કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના કુલ રોકાણમાં તમિલનાડુનો હિસ્સો 34 ટકા છે.ભારતમાં પોતાના પ્રોડકટસ વહેતા કરવામાં સરકાર તરફથી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે,તેવા મસ્કના એક ટ્વિટ બાદ વિવિધ રાજ્ય સરકારો તરફથી તેમને ઓફર આપવાનું શરૂ થયું છે.મહારાષ્ટ્ર, ભારતનું એક પ્રગતિશીલ રાજ્ય છે.
અહીં પ્લાન્ટ સ્થાપવા દરેક સહાય પૂરી પડાશેએમ રાજ્યના એક પ્રધાન જયંત પાટીલે ટ્વિટ દ્વારા મસ્કને જણાવાયું હતું.બીજી બાજુ પંજાબ પ્રદેશ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ પણ લુધિયાણા ખાતે એકમ ઊભું કરવા મસ્કને આમંત્રણ આપ્યું છે.પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પણ મસ્કને પોતાના રાજ્યમાં આવવા અપીલ કરાઈ છે.
અગાઉ તેલંગણાના પ્રધાન કે ટી રામારાવે ટેસ્લાના સીઇઓ મસ્કને રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનો પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.મસ્ક અને ભારત સરકાર છેલ્લા લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે.ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડવા ટેસ્લાએ ગયા વર્ષે રજુઆત કરી હતી જે સરકારે નકારી કાઢી છે.
ટેસ્લા ભારતમાં જ ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન કરે અને અહીંથી તેની નિકાસ કરે એમ સરકાર ઈચ્છી રહી છે જ્યારે ટેસ્લા પહેલા ભારતમાં પોતાના વાહન માટેની બજાર ઊભી કરવા માગે છે અને માટે ઇલેક્ટ્રિક વાહન પરની 100 ટકા જેટલી આયાત ડયૂટી ઘટાડવા માગ કરી રહી છે.
ભારતમાં વાહન ઉત્પાદન કંપની ઊભી કરવાનું મુશકેલ અને પડકારરૂપ રહે છે.જમીન હસ્તગત કરવાથી લઈને કર્મચારીઓના હક્કો કોઈપણ કંપની માટે સમસ્યા બની રહેતા હોવાનું અત્યારસુધી જોવા મળ્યું છે.આ સમસ્યાઓને દૂર કરવા સરકારી સમર્થનની આવશ્યકતા રહે છે.