ચીનની નાપાક હરકત : અરૂણાચલ સરહદેથી 17 વર્ષીય છોકરાનું અપહરણ, કેન્દ્રએ PLAને પાછો સોંપવા કહ્યું

326
  • અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ ચીને અરૂણાચલના ઉપરી સુબનસિરી જિલ્લામાંથી 5 લોકોનું અપહરણ કરી લીધું હતું

નવી દિલ્હી,તા.20 જાન્યુઆરી,ગુરૂવાર : લદ્દાખ સ્થિત એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે તણાવ વ્યાપેલો છે.આ બધા વચ્ચે ચીને ભારત સાથે જોડાયેલી બાકીની સરહદોએ પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે.ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ અરૂણાચલ પ્રદેશ સાથે જોડાયેલી સરહદેથી એક 17 વર્ષના બાળકનું અપહરણ કરી લીધું છે.રાજ્યના સાંસદ તાપિર ગાઓએ આ અંગે કેન્દ્રને સૂચિત કર્યું હતું.કેન્દ્ર સરકારે ગુરૂવારે જણાવ્યું કે,તેમણે ચીની સેનાને બાળકને શોધવા માટે અને પ્રોટોકોલ પ્રમાણે પરત સોંપવા માટે કહ્યું છે.

સંરક્ષણ સૂત્રોએ ગુરૂવારે જણાવ્યું કે,અરૂણાચલ પ્રદેશમાંથી મિરામ તરોન લાપતા થયો તે અંગે સૂચના મળી એટલે ભારતીય સેનાએ તરત જ પીએલએનો સંપર્ક કર્યો હતો. પીએલએને તેમના વિસ્તારોમાં તેને શોધવા તથા એએસટીડી પ્રોટોકોલ પ્રમાણે તેને પાછો સોંપવા સહાયતા માગવામાં આવી છે.

અરૂણાચલ પ્રદેશના સાંસદ ગાઓએ જણાવ્યું કે,છોકરાનું અપહરણ બુધવારે અપ્પર સિયાંગ જિલ્લામાંથી કરવામાં આવ્યું હતું. સાંસદે જણાવ્યું કે,પીએલએ દ્વારા વધુ એક યુવકના અપહરણનો પ્રયત્ન કરવામાં આવેલો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો અને સ્થાનિક પ્રશાસનને તેણે જ પોતાના સાથીદારના અપહરણની જાણકારી આપી હતી.ગાઓએ જણાવ્યું કે,તેમણે આ સમગ્ર કેસની જાણકારી ગૃહ રાજ્યમંત્રી નીતીશ પ્રમાણિકને આપી હતી અને સરકારી એજન્સીઓની મદદથી તેને ઝડપથી મુક્ત કરાવવાની માગણી કરી હતી.

2020માં 5 લોકોનું અપહરણ : અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ ચીને આ પ્રકારની હરકત કરી હતી.પીએલએએ અરૂણાચલના ઉપરી સુબનસિરી જિલ્લામાંથી 5 લોકોનું અપહરણ કરી લીધું હતું.સ્થાનિક મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યાર બાદ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજૂએ આ મુદ્દો ચીન સમક્ષ રાખ્યો હતો અને અપહ્યત લોકોની મુક્તિ સુનિશ્ચિત કરાવી હતી.

Share Now