T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર : ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે, બંને ટીમ વચ્ચે 23 ઓક્ટોબરે મેલબર્ન સ્ટેડિયમમાં ટક્કર થશે

459
  • ટુર્નામેન્ટમાં કુલ 45 મેચ 7 અલગ-અલગ શહેર- એડિલેડ,બ્રિસ્બેન,જિલોંગ,હોબાર્ટ,મેલબર્ન,પર્થ અને સિડનીમાં રમાશે

T-20 વર્લ્ડ કપ 2022માં પણ ભારત એના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે જ કરશે.ગત વર્ષે પણ UAE અને ઓમાનમાં રમાયેલી T-20 વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી,જેમાં પ્રથમ વખત પાકિસ્તાને કોઈ વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું.આ વખતે T-20 વર્લ્ડ કપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું છે.

16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે
ICCએ શુક્રવારે T-20 વર્લ્ડ કપ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ મુજબ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાનની વિરુદ્ધ 23 ઓક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે. T-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 45 મેચ 7 અલગ-અલગ શહેર- એડિલેડ,બ્રિસ્બેન,જિલોંગ,હોબાર્ટ,મેલબર્ન ,પર્થ અને સિડનીમાં રમાશે.ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે.

ફ્લડ લાઈટ્સમાં રમાશે ફાઈનલ મેચ
વર્લ્ડ કપની સેમી-ફાઈનલ સિડનીમાં 9 નવેમ્બર અને બીજી 10 નવેમ્બરે એડિલેડ-ઓવલમાં રમાશે.પ્રથમ વખત એડિલેડ-ઓવલમાં વર્લ્ડ કપની સેમી-ફાઈનલ રમાશે,જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થશે.આ મેચ ફ્લડ લાઈટસમાં રમાશે.

ગત વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો
ગત T-20 વર્લ્ડ કપ 2021માં યુએઈ અને ઓમાનમાં રમાયો હતો.આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ભારતને સુપર 12માં પાકિસ્તાન,દ.આફિક્રા,બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયરની સાથે ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે. ભારત આખી ટૂર્નામેન્ટમાં 5 મેચ રમશે.પ્રથમ 23 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે,બીજી 27 ઓક્ટોબરે ગ્રુપ-એના રનર અપની સાથે,ત્રીજી 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાની સામે અને ટીમ તેની ચોથી મેચ 2 નવેમ્બરે બાંગ્લાદેશ અને 5મી મેચ 6 નવેમ્બરે ગ્રુપ બીના વિનરની સામે રમશે.

ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું
ગત વર્ષ યુએઈમાં રમાયેલા T-20 વર્લ્ડ કપમાં ભારતે તેની મેચની શરૂઆત પાકિસ્તાન સામે રમીને કરી હતી.આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવી હતી.એવું પ્રથમ વખત બન્યું હતું કે કોઈ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના હાથે હારવાનો વારો આવ્યો હોય.

ભારત અને પાકિસ્તાનની સાથે 12 ટીમ સુપર-12માં
ભારત અને પાકિસ્તાનની સાથે 12 ટીમ ડાયરેક્ટ સુપર-12માં રમશે,જ્યારે 4 ટીમનો નિર્ણય ફેબ્રુઆરી અને જુલાઈમાં થનારી ક્વોલિફાયરમાં થશે.સુપર-12માં ભારત અને પાકિસ્તાન સિવાય ન્યૂઝીલેન્ડ,અફઘાનિસ્તાન,ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ,ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને જગ્યા મળી છે.બીજી તરફ નામીબિયા,સ્કોટલેન્ડ,શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ મુખ્ય ડ્રો પહેલા ક્વોલિફાયર રમશે.અન્ય 4 ટીમ પણ ક્વોલિફાયરમાં ઊતરશે.

Share Now