૧૯ વર્ષની ઝારા રૂથરફોર્ડે દુનિયામાં એકલા હાથે વિમાન ઉડાડીને વિશ્વરેકોર્ડ બનાવ્યો

434
  • બેલ્જિયમ મૂળની બ્રિટિશ પાયલટે ૧૫૫ દિવસમાં ૫૧ હજાર કિ.મી.નું અંતર કાપીને પાંચ ખંડ ધરતીનો પ્રવાસ ખેડયો

બેલ્જિયમ મૂળની બ્રિટિશ મહિલા પાયલટ ઝારા રૂથરફોર્ડે એકલા હાથે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે.વિશ્વમાં સોલો ફ્લાઈટ ઉડાડનારી ઝારા દુનિયાની સૌથી ઓછી વયની મહિલા પાયલટ છે.તેણે ૧૫૫ દિવસમાં પ્રવાસ પૂરો કર્યો હતો.૮ ઓગસ્ટે તેણે પ્રવાસ શરૃ કર્યો હતો.

ઝારા રૂથરફોર્ડે સોલો ગ્લોબલ ફ્લાઈટ ઉડાડીને વિશ્વવિક્રમ સર્જ્યો છે.૧૫૫ દિવસની લાંબી યાત્રા કરીને તે બેલ્જિયમના કોર્ટિજકમાં આવી પહોંચી હતી.૧૮મી ઓગસ્ટ-૨૦૨૧ના દિવસે તેની યાત્રા આ શહેરથી જ શરૂ થઈ હતી.બેલ્જિમય મૂળની ઝારા રૂથરફોર્ડે બ્રિટનમાં રહે છે.તે નાનકડાં વિમાન સાથે વિશ્વના પાંચ ખંડોમાં ફરી હતી.તેણે બાવન દેશોની યાત્રા કરી હતી.૧૫૫ દિવસમાં કુલ ૫૧ હજાર કિલોમીટરનો પ્રવાસ ઝારાએ પૂરો કર્યો હતો.

અગાઉ સોલો ગ્લોબલ ફ્લાઈટનો રેકોર્ડ અમેરિકન મહિલા પાયલટ શાએસ્ટા વાઈઝના નામે હતો.શાએસ્ટાએ ૨૦૧૭માં ૩૦ વર્ષની વયે દુનિયાનું એકલપંડે ચક્કર લગાવ્યું હતું.ઉડ્ડયન દરમિયાન ઝારા રૂથરફોર્ડે કેલિફોર્નિયાની ભયાનક આગ આકાશમાંથી જોઈ હતી.રશિયાની કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.તે ઉપરાંત ઉત્તર કોરિયાના જોખમી ગણાતા હવાઈ ક્ષેત્રમાંથી તે પસાર થઈ હતી.

ઝારાએ વિક્રમ નોંધાવ્યો એ પછી કહ્યું હતુઃ એવિએશનમાં વધુમાં વધુ છોકરીઓ આવે તે માટે મેં આ સાહસ ખેડયું હતું. હું યુવતીઓને પ્રોત્સાહિત કરવા ઈચ્છતી હતી.ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓ માટે વિશાળ તકો સર્જાઈ રહી છે.આ પરાક્રમ પછી ઝારા રૂથરફોર્ડે નું નામ સૌથી ઓછી વયે દુનિયામાં વિમાન ઉડાડનારી મહિલા પાયલટ તરીકે ગિનેસ બુકમાં નોંધાશે.ઓવરઓલ રેકોર્ડ ૧૮ વર્ષના બ્રિટનના પાયલટ ટ્રાવિસ લુડલોના નામે ગયા વર્ષે નોંધાયો હતો.બ્રિટનના આ યુવાને ૪૪ દિવસમાં ૪૧ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

Share Now