- સરકારે ઓક્ટોબર 2022 સુધીની ડેડલાઈન નક્કી કરી છે જેથી નવા ભવનમાં શીતકાલીન સત્ર આયોજિત કરી શકાય
નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી,શુક્રવાર : નવા સંસદ ભવનના નિર્માણના અંદાજિત ખર્ચમાં આશરે 282 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે.નિર્માણ યોજનામાં ફેરફાર,સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અનુપાલન,કેટલાક વધારાના કાર્યોને પગલે અંદાજિત ખર્ચામાં આશરે 29 ટકાના વધારા સાથે તે 1,250 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ એ સંશોધિત અંદાજિત ખર્ચ માટે લોકસભા સચિવાલય પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી માગી છે.
ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ 5 સદસ્યોવાળી પેનલ સાથે ખર્ચની જાણકારી અને કાર્ય પ્રગતિની ડીટેઈલ શેર કરી કરી હતી.સરકારે મેગા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામોના મોનિટરિંગ માટે આ પેનલની રચના કરી છે.
ટાટા પ્રોજેક્ટ્સને 977 કરોડ રૂપિયામાં નવી પાર્લામેન્ટ બિલ્ડિંગ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે અને અત્યાર સુધીમાં 40 ટકા કામ પૂરૂ થઈ ચુક્યું છે.સરકારે ઓક્ટોબર 2022 સુધીની ડેડલાઈન નક્કી કરી છે જેથી નવા ભવનમાં શીતકાલીન સત્ર આયોજિત કરી શકાય.
દિલ્હી ઝોન-4માં છે પરંતુ આ બિલ્ડિંગને ભૂકંપ સામે વધારે મજબૂતાઈ મળી રહે તે માટે ઝોન-5 માટેના માપદંડો પ્રમાણે બનાવવામાં આવી રહી છે.અમુક અંશે આ કારણના લીધે પણ ખર્ચામાં વધારો થયો છે.તે સિવાય સંસદ ભવનમાંથી સુરંગના રસ્તે વડાપ્રધાનના પ્રસ્તાવિત આવાસ અને સાંસદોની પ્રસ્તાવિત ચેમ્બર્સ સુધીની કનેક્ટિવિટીના કારણે પણ ખર્ચામાં વધારો થયો છે.શરૂઆતમાં જે ખર્ચાનો અંદાજો લગાવવામાં આવ્યો હતો તેમાં આ બધાનો સમાવેશ નહોતો થતો.
સંસદના બંને સદનોમાં અત્યાધુનિક ઓડિયો-વીડિયો સિસ્ટમ માટે પણ અલગ જોગવાઈ કરવામાં આવેલી છે.મીટિંગ રૂમ,મંત્રીઓની ચેમ્બરમાં કેટલાક ફેરફારના કારણે પણ ખર્ચો વધ્યો છે.