ઇરાક-સીરિયામાં 2017 પછી આઇએસનો સૌથી મોટો હુમલો : 20 જવાનોની હત્યા

164
  • 3000 સાથીઓને છોડાવવા આઇએસના 100થી વધુ આતંકીઓ ભારે હથિયારો સાથે જેલ પર ત્રાટક્યા,23 આતંકી ઠાર

બગદાદ : ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે અને હુમલા કરવા લાગ્યા છે.આવો જ એક હુમલો ઇરાકના બગદાદમાં થયો હતો.જેમાં આઇએસના આતંકીઓએ સૈન્યના જવાનો પર ગોળીબાર કરી દીધો હતો.

આ ગોળીબારમાં ઇરાકી સૈન્યના 11 જવાનો માર્યા ગયા છે.જ્યારે જવાનો ઉંઘમાં હતા ત્યારે આતંકીઓએ આ હુમલો કરી દીધો હતો.જ્યારે સીરિયામાં ગ્વેરન જેલ પર આઇએસના 100 આતંકીઓ ભારે હથિયારો સાથે ત્રાટક્યા હતા,આ જેલમાં આઇએસના 3 હજાર જેટલા આતંકીઓ કેદ છે.જેમને છોડાવવા માટે આ હુમલો કર્યો હતો.

સીરિયાની જે જેલ પર હુમલો થયો તેમાં યુએસ સમર્થક કુર્દીશ સૈન્યના નવ જેટલા જવાનો માર્યા ગયા છે જ્યારે અનેક ઘવાયા છે.જવાબી કાર્યવાહીમાં આઇએસના 23 જેટલા આતંકીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલો છે.બીજી તરફ ઇરાક સિક્યોરિટી વિભાગ દ્વારા જારી માહિતી અનુસાર બગદાદના અલ-અઝિમ જિલ્લામાં આતંકીઓ દ્વારા આ હુમલો કરાયો હતો.

મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આઇએસના આતંકીઓ સૈન્યના બેરેક્સમાં ઘુસી આવ્યા હતા.જે બાદ ત્યાં ઉંઘી રહેલા જવાનો પર ગોળીબાર કરી દીધો હતો.જેમાં 11 જવાનોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.જ્યારે અનેક જવાનો આ ગોળીબારમાં ઘવાયા છે જેમની સારવાર ચાલી રહી છે.

આઇએસ નામના આતંકી સંગઠનને 2017માં નબળુ પાડી દેવાયું હતું અને તે બાદ આ સંગઠન દ્વારા કોઇ મોટો આતંકી હુમલો નથી કરાયો.ત્યારે ફરી આ હુમલો કરીને આઇએસએ પોતે હવે ફરી સક્રિય થઇ ગયું હોવાનો સંદેશો પણ આપ્યો હતો.જે વિસ્તારમાં આ ગોળીબારની ઘટના બની છે તે એક ગ્રામ્ય વિસ્તાર છે.

હાલ મોટા પાયે આ વિસ્તારમાં સૈન્ય ખડકી દેવાયું છે અને હુમલાખોર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આઇએસના આતંકીઓએ દીયાલા પ્રાંતમાં શીયા મુસ્લિમોના એક ગામ પર હુમલો કર્યો હતો અને 11 નાગરિકોની હત્યા કરી હતી,જેમાં અનેક લોકો ઘવાયા હતા.

આતંકીઓએ ગ્રામજનોનું અપહરણ કરીને ખંડણી માગી હતી જે પુરી ન થતા આ નાગરિકોની હત્યા કરી દીધી હતી.ઇરાક અને સીરિયામાં આઇએસના હુમલા ફરી વધવા લાગ્યા છે.બીજી તરફ સીરિયાની જેલ પર જે હુમલો થયો તેને ઇરાક અને સીરિયા જ નહીં સમગ્ર પ્રાંતમાં આઇએસનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે તેમ કુર્દીશ સૈન્યના પ્રવક્તા ફરહાદ શામીએ કહ્યું હતું.

Share Now