– પૂર્વ ક્રિકેટરે સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી
નવી દિલ્હી : ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહને શુક્રવારે કોરોના સંક્રમણ થયું હોવાનું તેણે ટ્વીટ કરીને જણાવ્યું હતું.હરભજન સિંહ હાલમાં હોમ ક્વોરન્ટાઈન થયો છે.41 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે ગયા મહિને ક્રિકેટની તમામ ફોરમેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.ટ્વિટર પર હરભજન સિંહે માહિતી આપતા જણાવ્યું કે,મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.મને હળવા લક્ષણો છે અને હું હોમ આઈસોલેટ થઈ ગયો છું તેમજ તમામ તકેદારી રાખી રહ્યો છું.
હરભજન સિંહે તેના સંપર્કમાં આવેલા લોકોને પણ વહેલી તકે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે હરભજન સિંહ મસ્કતમાં ચાલી રહેલી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો હતો.પૂર્વ સ્પિનર 24 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બીજા તેમજ અંતિમ તબક્કામાં રમવાનો હતો પરંતુ હવે તે ભાગ લઈ શકશે નહીં.
હરભજન સિંહે ભારતના ટોચના ઓફ સ્પિનરમાં સ્થાન ધરાવે છે અને તેણે 103 ટેસ્ટમાં 417 વિકેટ ઝડપી હતી.આ ઉપરાંત 236 વન-ડેમાં 269 અને 28 ટી20માં પણ 25 વિકેટ ઝડપી હતી.