– તા. 22.જાન્યુઆરી 2022 શનિવાર : દેશમાં આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.જેમાં પૂર્વોત્તર રાજ્ય મણીપુર પણ સામેલ છે.દેશમાં મણીપુર આ ચૂંટણીમાં નવો ઈતિહાસ સર્જવા જઈ રહ્યુ છે.કારણકે અહીંયા પહેલી વખત આતંકવાદીઓને પણ વોટ આપવાની મંજૂરી આપવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા આ માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે.જે અનુસાર સરકાર સાથે જે જૂથોએ સંઘર્ષ વિરામ જાહેર કર્યો છે તેના સભ્યોને ચૂંટણીમાં મતદાન માટે મંજૂરી મળશે.જોકે આ સભ્યોના નામ વોટર્સ લિસ્ટમાં હોવા જરુરી છે.તેઓ પોસ્ટલ બેલેટથી પોતાના મત વિસ્તાર માટે મતદાન કરી શકશે.
સરકાર સાથે સંઘર્ષ વિરામ કરનારા સંગઠનોમાં યુનાઈડેટ પીપલ્સ ફ્રંટ તેમજ કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળના 20 જેટલા જૂથોનો સમાવેશ થાય છે.
આ જૂથોના આતંકવાદીઓને હાલમાં વિવિધ શિબિરોમાં રાખવામાં આવ્યા છે.ચૂંટણી પંચનુ કહેવુ છે કે,મણીપુરમાં વિવિધ 14 જેટલી છાવણીઓમાં રખાયેલા આતંકવાદીઓને વિવિધ વિધાનસભા મત વિસ્તારના વોટર્સ લિસ્ટમાં સામેલ કરાયા છે.જોકે શિબિરોમાં રહેતા લોકોને બહાર જવા માટે હાલમાં મંજૂરી નથી એટલે તેમને પોસ્ટલ બેલેટથી મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.