ભારતમાં ઓમિક્રોનના કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી અનેક શહેરોમાં જોખમ

178

દેશમાં સતત બીજા સપ્તાહે ‘આર-વેલ્યુ’માં ઘટાડો નોંધાયો, આગામી બે સપ્તાહમાં ત્રીજી લહેરની પીક : આઈઆઈટી મદ્રાસ

નવી દિલ્હી, તા.૨૩ : દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે એવામાં ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી સ્પ્રેડના સંકેત મળ્યા છે.આઈએનએસએસીઓજીએ જણાવ્યું હતું કે,કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તબક્કામાં પહોંચી ગયો છે.પરિણામે અનેક શહેરોમાં સંક્રમણના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.જોકે,રાહતની બાબત એ છે કે દેશમાં સતત બીજા સપ્તાહે ‘આર વેલ્યુ’ ઘટી છે અને દેશમાં બે સપ્તાહમાં ત્રીજી લહેરની પીક આવી જશે તેમ આઈઆઈટી મદ્રાસે દાવો કર્યો હતો.

દેશમાં કોરોના વાઈરસના વિવિધ વેરિઅન્ટની તપાસ કરતી સરકારી સંસ્થા ઈન્ડિયન સાર્સ-કોવ-૨ જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી)એ જણાવ્યું હતું કે,દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ્યો છે.વધુમાં ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ ‘બીએ.૨’ના કેસ પણ ભારતમાં મળી આવ્યા છે,જે આગામી સમયમાં કોરોનાના કેસમાં વધારાનું કારણ બની શકે છે.

આ સંસ્થા વાઈરસ કેવી રીતે ફેલાય છે તે સમજવામાં મદદ મળી શકે તે માટે કોરોનાના વિવિધ વાઈરસની તપાસ કરે છે.સંસ્થાના રિપોર્ટમાં કહેવાયું છે કે અનેક શહેરો માટે આ બાબત ચિંતાજનક બની શકે છે.વધુ ચિંતાજનક બાબત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટના ૨૮થી વધુ મ્યુટેશન થયા છે.ઓમિક્રોન વેરિઅન્ટના નવા મ્યુટેશન ‘સ્ટિલ્થ ઓમિક્રોન’ના કેસ ૪૦થી વધુ દેશોમાં જોવા મળ્યા છે.

જોકે,રાહતની બાબત એ છે કે દેશમાં સતત બીજા સપ્તાહે ‘આર-વેલ્યુ’માં ઘટાડો થયો છે અને દેશમાં બે સપ્તાહમાં એટલે કે ૬ઠ્ઠી ફેબુ્રઆરી સુધીમાં ત્રીજી લહેર પીક પર આવી જશે તેમ આઈઆઈટી મદ્રાસના એક અભ્યાસમાં જણાવાયું છે.આ અભ્યાસમાં ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવાનો દર બતાવતી ‘આર-વેલ્યુ’ ૧૪ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને ૧.૫૭ થઈ ગઈ છે.’આર-વેલ્યુ’ બતાવે છે કે એક વ્યક્તિ કેટલા લોકોને કોરોનાથી સંક્રમિત કરી શકે છે.અભ્યાસમાં જણાવાયું છે કે આ દર એકથી નીચે જતો રહેશે તો મહામારી ખતમ થઈ ગઈ છે તેમ મનાશે.

દરમિયાન દેશમાં કોરોનાના નવા કેસ આંશિક ઘટીને ત્રણ લાખથી નીચે ગયા છે.પરંતુ કોરોનાના દર્દીઓના મોતની સંખ્યા વધી છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧૨ દર્દીનાં મોત થયા હતા.આ સાથે મૃત્યુઆંક ૪.૮૯ લાખને પાર થઈ ગયો છે.કોરોનાના એક્ટિવ કેસ પણ વધીને ૨૨.૧૮ લાખને પાર થઈ ગયા છે.છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૭૩,૮૪૦નો વધારો થયો છે.આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૯૫ કરોડને પાર થઈ ગયા છે.કર્ણાટકમાં સૌથી વધુ નવા ૫૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા.કેરળમાં ૪૫,૦૦૦ અને મહારાષ્ટ્રમાં ૪૦,૦૦૦ કેસ નોંધાયા હતા.દૈનિક પોઝિટિવિટી દર ૧૭.૭૮ ટકા નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક દર ૧૬.૮૭ થયો હતો.

Share Now