– દેશના અર્થતંત્રની કે-શેપ રિકવરી રોકવા માટે સરકારે પગલાં લેવાની જરૂર,મોંઘવારી ભારત માટે પણ ચિંતાજનક
નવી દિલ્હી,તા.૨૩ : ભારતીય અર્થતંત્ર હજુ પણ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે.સરકાર અર્થતંત્રમાં સંપૂર્ણ રિકવરી ઈચ્છતી હોય તો તેણે અનેક મોટા નિર્ણયો લેવાની જરૂર છે તેમ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું.દેશમાં આગામી સપ્તાહે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે વિશ્વના અગ્રણી અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું હતું કે બજેટમાં સરકારે અર્થતંત્ર અંગે એક મજબૂત લાઈન દોરવાની જરૂર છે.આર્થિક રિકવરી માટે સરકારે સાવધાનીપૂર્વક ખર્ચ કરવાની જરૂર પડશે.
રઘુરામ રાજને જણાવ્યું કે,બજેટ એક ભાવી દસ્તાવેજ હોય છે,જે દેશની આગામી યોજનાઓ દર્શાવે છે.બજેટમાં પાંચ અથવા ૧૦ વર્ષનો દૃષ્ટિકોણ હોવો જોઈએ.લોકો બજેટ પ્રત્યે ઘણી આશાઓ રાખતા હોય છે,પરંતુ સરકાર પાસે સંશાધનો મર્યાદિત હોવાથી નાણા મંત્રી હવે ખુલ્લા હાથે ખર્ચ કરી શકતાં નથી.
તેમણે ઉમેર્યું કે,ભારતીય અર્થતંત્રમાં કેટલાક ક્ષેત્રોમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી રહી છે તો કેટલાક ક્ષેત્રો પડકારોનો સામનો કરી રહ્યા છે.આવી સ્થિતિમાં સરકારે રાજકોષીય ખાધને વધતી રોકવા માટે સાવધાનીપૂર્વક ખર્ચ કરવાની જરૂર છે.દુનિયાના બધા જ દેશો માટે મોંઘવારી ચિંતાનો વિષય છે અને ભારત તેમાં અપવાદરૂપ નથી.
રઘુરામ રાજને કહ્યું કે,સરકારે અર્થતંત્રમાં’કે’આકારની રીકવરી રોકવા માટે વધુ નક્કર પગલાં લેવાની જરૂર છે.અર્થતંત્રમાં કે-શેપ રિકવરી એક એવી સ્થિતિ દર્શાવે છે,જ્યાં કેટલાક સેક્ટર વધુ તીવ્ર ગતિએ વિકસે છે જ્યારે કેટલાક સેક્ટર આ દોડમાં પાછળ રહી જાય છે.આવા સંજોગોમાં સામાન્ય રીતે કે-શેપની રિકવરીમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને મોટી કેપિટલ કંપનીઓમાં તિવ્ર ગતિએ વૃદ્ધિ કરે છે જ્યારે નાના અને મધ્યમ ઉદ્યોગોની વૃદ્ધિ પર મહામારીની ગંભીર અસર થાય છે.
રઘુરામ રાજને કહ્યું કે,અર્થતંત્ર અંગે સૌથી મોટી ચિંતા મધ્યમ વર્ગ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને આપણા બાળકો અંગે છે.આ બધી જ બાબતો ધીમી માગથી પ્રારંભિક રિકવરી પછી ‘ખેલ’માં આવશે.તેમણે કહ્યું કે,આ બધા જ ‘લક્ષણ’ નબળી ગ્રાહક માગના છે.વિશેષરૂપે વ્યાપક સ્તરે ઉપયોગવાળા ગ્રાહક સામાનની માગ ઘણી નબળી છે.રઘુરામ રાજન હાલ શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે.તેમણે કહ્યું કે અર્થતંત્રમાં હંમેશા ચમકદાર સ્થાનોની સાથે ઘેરા કાળા ડાઘ હોય છે.તેમણે ઉમેર્યું કે,ચમકદાર ક્ષેત્રોની વાત કરીએ તો તેમાં સ્વાસ્થ્ય સેવા કંપનીઓ,આઈટી અને આઈટી સંબંદ્ધ ક્ષેત્ર જબરજસ્ત કારોબાર કરી રહ્યા છે.અનેક ક્ષેત્રોમાં યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકનવાળી કંપનીઓ) બન્યા છે અને નાણાકીય ક્ષેત્ર પણ મજબૂત બની રહ્યું છે.
જોકે,અર્થતંત્રના કાળા ડાઘની વાત કરીએ તો બેરોજગારી,ઓછી ખર્ચ શક્તિ (વિશેષરૂપે નિમ્ન મધ્યમ વર્ગમાં),નાની અને મધ્યમ કંપનીઓના નાણાકીય દબાણનો તેમાં સમાવેશ થાય છે.આ સિવાય લોનની સુસ્ત વૃદ્ધિ અને આપણી સ્કૂલોમાં હાલ અટકી ગયેલો અભ્યાસ પણ કાળા ડાઘ એટલે કે પડકારજનક સ્થિતિમાં આવે છે.ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર ૯ ટકા રહેવાનો અંદાજ છે.ગયા નાણાકીય અર્થતંત્રમાં ૭.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.