– અડધો કલાક ચાલેલી ફાઈનલ મેચમાં સિંધૂનો માલવિકા સામે 21-13,21-16થી વિજય
ભારતની સ્ટાર શટલર અને બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા પી વી સિંધૂએ રવિવારે સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેટમિન્ટન ટુર્નામેન્ટની ફાઈનલમાં માલવિકા બનસોદને સીધી ગેમમાં હરાવી ચેમ્પિયનનું ટાઈટલ જીતી લીધું હતું.વિમેન્સ સિંગલ્સ ફાઈનલનો મુકાબલો એકતરફી રહ્યો હતો અને સિંધૂએ 35 મિનિટમાં જ આ મેચ 21-13,21-16થી જીતી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
સિંધૂનું આ બીજું સૈયદ મોદી ચેમ્પિયન ટાઈટલ છે.અગાઉ 2017માં પણ તે બીડબલ્યુએફ વર્લ્ડ ટુર સુપર 300 ઈવેન્ટમાં તે ચેમ્પિયન રહી હતી.અગાઉ રવિવારે રમાયેલી મિક્સ્ડ ડબલ્સ મેચમાં સાતમાં ક્રમની ભારતની જોડી ઈશાન ભટનાગર અને તનિશા ક્રાસ્ટોએ પ્રતિસ્પર્ધી જોડી ટી હેમા નાગેન્દ્ર બાબુ અને શ્રીવૈદ્ય ગુરાઝદા સામેની મેચમાં વિજય મેળવ્યો હતો.ભટનાગર અને ક્રાસ્ટોનો 21-16,21-12થી આસાન વિજય થયો હતો.
મહિલા સિંગલ્સની ફાઈનલ એકતરફી રહેવાની અગાઉથી અપેક્ષા હતી.વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવતી સિંધૂનો 84મો ક્રમાંક ધરાવતી માલવિકા સામે મુકાબલો હતો.સિંધૂએ પોતાના બહોળા અનુભવને આઘારે પ્રભાવી રમત રમી હતી.સિંધૂએ પ્રથમ ગેમમાં જ 7-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી.ત્યારબાદ 11-1ના સ્કોરે માલવિકાએ સર્વિસ બ્રેક કરી હતી.ત્યારબાદ બીજી ગેમમાં માલવિકાએ સિંધૂને થોડી ટક્કર આપવા પ્રયાસ કર્યો હતો.જો કે સિંધૂએ હાઈટનો ફાયદો ઉઠાવતા કોર્ટ કવર કરવાની સાથે જ તેના વ્યાપક અનુભવને આધારે ગેમ પોતાના નામે કરી હતી.