26મી જાન્યુ.ની ઉજવણી વચ્ચે સરહદે 135 આતંકી ઘૂસવાની ફિરાકમાં

458

બીએસએફએ ગયા વર્ષે 17 હથિયારો, 30 વિસ્ફોટક ડિવાઇસ અને 38 કિલો નાર્કોટિક્સ જપ્ત કર્યા હતા .ગયા વર્ષે બીએસએફએ ઘુસણખોરી કરી રહેલા છ આતંકી ઠાર કર્યા, ત્રણ જીવતા પકડયા, બે ટનલ મળી

શ્રીનગર : સરહદ સુરક્ષા દળ જમ્મૂ ફ્રંટિયરના આઇજી ડીકે બૂરાએ કહ્યું હતું કે પ્રજાસત્તાક દિન નિમિત્તે શાંતિ ભંગ કરવાના કાવતરા રચી રહેલા આતંકીઓને નિષ્ફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર સૈન્યની પુરતી તૈયારી છે.સરહદ પર ઘુસણખોરી રોકવા સૈન્ય એલર્ટ કરાયું,ડ્રોનથી આતંકીઓ પર નજર રાખીને પ્રજાસત્તાક દિનની ઉજવણીને વધુ સુરક્ષીત બનાવવામાં આવશે.

દરમિયાન બીએસએફએ જારી કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઘુસણખોરી કરી રહેલા કુલ છ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.જ્યારે ઘુસણખોરી કરી રહેલા ત્રણ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

આ આતંકીઓ ભારત પાકિસ્તાન સરહદ પાર કરીને જમ્મુ કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ગયા વર્ષે બીએસએફ દ્વારા 17 હથિયારો,900 રાઉન્ડ્સ,30 વિસ્ફોટક ડિવાઇસ અને 38 કિલો નાર્કોટિક્સ જપ્ત કરાયું હતું.

બીએસએફ દ્વારા એન્ટી ટનલ ઓપરેશન પણ ચલાવાઇ રહ્યું છે.જે અંતર્ગત પાકિસ્તાન તરફથી ભારત તરફ બનાવવામાં આવેલી બે ટનલો ગયા વર્ષે મળી આવી હતી.

દરમિયાન બીએસએફના આઇજી રાજા બાબુસિંહે કહ્યું હતું કે સરહદ પાર આશરે 135 જેટલા આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે.આ આતંકીઓ ગમે ત્યારે ભારતમાં ઘુસી શકે છે.જોકે તેને આકરો જવાબ આપવા માટે સૈન્ય સતર્ક કરી દેવામાં આવ્યું છે.જોકે હાલ એલઓસી પર સમગ્ર સ્થિતિ શાંતિપૂર્ણ છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

Share Now