– હૂથી બળવાખોરો અને સાઉદી અરબના નેતૃત્વમાં ખાડી દેશોના સંગઠન વચ્ચે ઘર્ષણ વધ્યું : યુએએઈના લડાકુ વિમાનોની હૂથીના મથકો પર સ્ટ્રાઈક
અબુ ધાબીને નિશાન બનાવીને હૂથી બળવાખોરોએ છોડેલી બેલાસ્ટિક મિસાઈલોને યુએઈએ હવામાં જ ઉડાવી દીધી હતી.એ પછી વળતા જવાબમાં યુએઈએ યમનમાં હૂથી કેમ્પોને નિશાન બનાવીને એફ-૧૬ વિમાનોની મદદથી એર સ્ટ્રાઈક કરી હતી.હૂથી બળવાખોરો અને સાઉદી અરબના નેતત્વમાં ખાડી દેશોના સંગઠન વચ્ચે ઘર્ષણ વધ્યું છે.
યમનના હૂથી બળવાખોરોએ અબુ ધાબીને નિશાન બનાવીને છોડેલી બે બેલાસ્ટિક મિસાઈલોને યુએઈએ ઉડાવી દીધી હતી.મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સત્વરે સક્રિય થઈ જતાં પાટનગરમાં વિનાશ વેરાતો અટક્યો હતો.છ વર્ષથી હૂથી બળવાખોરો અને સાઉદી અરબના નેતૃત્વમાં ખાડી દેશોના સંગઠન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.આ સંઘર્ષ હવે વધુને વધુ ઉગ્ર બનતો જાય છે.હૂથી બળવાખોરોએ સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવ્યા પછી હવે યુએઈએ પણ વળતો જવાબ આપ્યો છે.એફ-૧૬ લડાકુ વિમાનોની મદદથી યુએઈએ હૂથી બળવાખોરોના મથકો ઉપર એર સ્ટ્રાઈક કરી હતી.અહેવાલોમાં દાવો થયો હતો કે યમનમાં હૂથી બળવાખોરોની મિસાઈલ લોન્ચ સાઈટને જ યુએઈએ નિશાન બનાવી હતી.યુએઈને નિશાન બનાવીને છોડાયેલી બેલાસ્ટિક મિસાઈલથી જાનહાની થઈ નથી.યુએઈની વળતી એરસ્ટ્રાઈકથી હૂથી બળવાખોરોની મિસાઈલ લોન્ચિંગ સાઈટનો ખાતમો બોલી ગયો હોવાનો દાવો અહેવાલોમાં થયો હતો.
યુએઈના સંરક્ષણ મંત્રાલયે યમનમાં થયેલી એરસ્ટ્રાઈકનો વીડિયો પણ રીલિઝ કર્યો હતો.એક ડ્રોનથી એરસ્ટ્રાઈકના દૃશ્યો લેવામાં આવ્યા હતા.તે પહેલાં સાઉદી અરબે પણ યમનના હુદૈદા બંદર નજીક હૂથી બળવાખોરોના મથકો પર હવાઈ હુમલા કર્યા હતા.
અગાઉ હૂથી વિદ્રોહીઓએ અબુ ધાબીના પેટ્રોલિયમ ડેપોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.એરપોર્ટમાં પણ હુમલો થયો હતો.ત્રણ પેટ્રોલિયમ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં બે ભારતીયો અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું હતું અને છ લોકોને ઈજા પહોંચી હતી.