– બેઠાડું જીવન જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે
ગુજરાતનાં કેટલાંક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીથી ઓછો ઊતરી જવાની સાથે કાર્ડિયોલોજિસ્ટોએ હૃદયરોગોથી પીડિત લોકોને શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાને નિવારવા વિશેષ સાવચેતી જાળવવાની અપીલ કરી છે.નોંધપાત્ર બાબત એ છે કે તાપમાનમાં ઘટાડો થવાથી હૃદયરોગના હુમલાની શક્યતામાં નોંધપાત્ર વધારો થયો છે અને સામાન્ય રીતે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાઓના કેસમાં 10થી 20 ટકાનો વધારો થાય છે.
હૃદયની સમસ્યાઓ,મેદસ્વીપણું,જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસતિનો એક મોટો વર્ગ તથા બેઠાડું જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે.આ ઉપરાંત વયોવૃદ્ધ અને પથારીવશ લોકોમાં પણ જોખમ હોય છે.
શિયાળામાં હાર્ટ-એટેકના કેસમાં 20 ટકા વધારો
અપોલો હોસ્પિટલ્સ,અમદાવાદના કેથ લેબ ડિરેક્ટર અને સીનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ.જયેશ પ્રજાપતિનાં જણાવ્યા અનુસાર,કાર્ડિયોવાસ્ક્યુલર રોગો સાથે સંબંધિત બિમારી અને મૃત્યુદરમાં સિઝનલ અને દૈનિક ફરક છે. ડૉ. પ્રજાપતિએ કહ્યું હતું કે,“શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો જોવા મળે છે અને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલર કેસ વધારે જોવા મળે છે.આ વધારા માટે વિવિધ પરિબળો જવાબદાર હોય છે.
આ પરિબળો સમજાવતાં ડૉ.પ્રજાપતિએ કહ્યું હતું કે,“પ્લાઝ્મા લેવલમાં ફરક કે લોહી જામી જવાનું પરિબળ,પ્લેટલેટમાં કુલ વધારો,બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલમાં વધઘટ,અંતઃસ્ત્રાવમાં ફેરફારો,અંગોમાં લોહીના માગ-પુરવઠાના રેશિયોમાં વધારો, વેસોકન્સ્ટ્રિક્શન અને કેટેકોલામાઇન સ્તરમાં વધારો તથા બોડી મેટાબોલિકમાં વધારો – કેટલાંક પરિબળો છે,જે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.”
કયાં કારણોથી હાર્ટ-એટેકનું જોખમ વધે છે
શિયાળા દરમિયાન અને કોવિડ-19ના કેસમાં હાલ વધારાને કારણે લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે,તેઓ નિયમિતપણે કસરત કરતાં નથી,વધારે ધુમ્રપાન કરે છે તથા ભોજન અને આલ્કોહોલનું સેવન વધી જાય,જેનાથી પણ સમસ્યામાં વધારો થાય છે.ઉપરાંત હવાનું પ્રદૂષણ તથા વાયરલ અને ફેંફસાનું ઇન્ફેક્શન પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
હાર્ટના પેશન્ટે ખાસ સાવધાની રાખવી
અપોલો સીવીએચએફમાં કાર્ડિયોલોજી સર્વિસીસના ડિરેક્ટર ડૉ. સમીર દાણીએ કહ્યું હતું કે,“શિયાળા દરમિયાન હૃદયરોગનું હુમલાનું જોખમ વધતું હોવાથી અમે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો ધરાવતા દર્દીઓને તેમની દવાઓ નિયમિત અને સમયસર લેવાની,તેમની નિયમિત કસરત જાળવી રાખવાની,ભોજનની સારી આદતો સહિત સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાની ,ધુમ્રપાન ટાળવાની,શિયાળાને અનુરૂપ વસ્ત્રો પહેરવાની અને ઇન્ફેક્શનની સારવાર લેવાની સલાહ આપીએ છીએ.” આ ઉપરાંત ડૉ.દાણીએ એવું સૂચન પણ કર્યું હતું કે,જો લોકોને હૃદયરોગો સાથે સંબંધિત કોઈ પણ ચિહ્નો જોવા મળે,તો તેમણે કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ અને નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.