– ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો
નવી દિલ્હી,તા.26 જાન્યુઆરી,બુધવાર : ગણતંત્ર દિવસ નિમિત્તે રાજપથ ખાતે આયોજિત પરેડમાં દેશના વિભિન્ન રાજ્યોની ઝાંકીઓ નીકળતી હોય છે.આ વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાજપથ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ખાસ રહેશે. કારણ કે,આ વખતે ગણતંત્ર દિવસ પરેડમાં કેટલીક વસ્તુઓ પહેલી વખત જોવા મળશે અને કેટલીક પરંપરાઓમાં ફેરફાર દેખાશે.
આ ખાસ પ્રસંગે દિલ્હીમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.દેશ આ વર્ષે આઝાદીના 75 વર્ષ પણ પૂરા કરી રહ્યો છે માટે તેની ‘આઝાદીના અમૃત મહોત્સવ’તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
લદ્દાખ ખાતે ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના હિમવીર જવાનોએ 15,000 ફૂટની ઉંચાઈએ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતનો 73મો ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો.
આ વર્ષે 73મા ગણતંત્ર દિવસ સમારંભમાં 15 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ નહીં મળે.પરેડ જોવા આવનારા લોકો માટે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તે અનિવાર્ય છે.તે ઉપરાંત કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પણ સાથે રાખવું પડશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.આ પ્રસંગે તેમણે કહ્યું કે,હું ભારતના દેશવાસીઓને 73મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.આજના દિવસે આ દિવસની ઉજવણીમાં એ મહાનાયકો અને વીર સપૂતોને યાદ કરવા જરૂરી છે જેમણે આ દેશને ગણતંત્ર બનાવવા માટે પોતાનું સર્વસ્વ લગાવી દીધું હતું.