બિહાર શાળામાં તિરંગો ફરકાવતી વખતે દુર્ઘટના, પાઈપમાં ઉતર્યો કરંટ, એક બાળકનું મોત

421

– પાઈપમાં કરંટ કઈ રીતે આવ્યો તે સહિતના સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી 

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી,બુધવાર : બિહારના બક્સર ખાતે ઝંડો ફરકાવતી વખતે એક ભારે મોટી દુર્ઘટના બની છે.કરંટ લાગવાના કારણે એક બાળકનું મોત થયું છે જ્યારે તે સિવાય અનેક બાળકો ગંભીર રીતે ઘવાયા છે.ઘાયલોની સદર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

બક્સરના નાથુપૂર પ્રાથમિક વિદ્યાલય ખાતે શાળાના બાળકો ઝંડો ફરકાવતી વખતે કરંટની લપેટમાં આવી ગયા હતા.તેમાં એક બાળકનું મોત થયું છે જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલ થયા છે અને બક્સર સદર હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે.

બાળકોના પરિવારજનોએ આ ઘટના અંગેની જાણકારી આપતા કહ્યું કે,બાળકો શાળામાં ઝંડો ફરકાવવા માટે પહોંચ્યા હતા અને તે સમયે ઝંડાવાળી પાઈપમાં કરંટ આવવાના કારણે બાળકો તેની લપેટમાં આવી ગયા હતા.ડોક્ટર્સના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ બાળકો પૈકીના એક બાળકનું મોત થયું છે અને અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે.

આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ મચ્યો છે અને રોઈ-રોઈને બાળકોના પરિવારજનોની હાલત ખરાબ થઈ ગઈ છે.સ્થાનિક પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બાળકોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.તે સિવાય આખરે પાઈપમાં કરંટ કઈ રીતે આવ્યો તે સહિતના સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,આજે ગણતંત્ર દિવસના પ્રસંગે દેશની તમામ શાળાઓમાં ઝંડારોહણનું આયોજન કરવામાં આવે છે. બાળકો ઝંડો ફરકાવવા માટે શાળાએ પહોંચ્યા હતા અને ઝંડારોહણ પહેલા પાઈપને સ્પર્શ્યા તો તેમને આંચકો લાગ્યો હતો.

Share Now