– પાંચ દેશના પ્રમુખો સમક્ષ મોદીએ ત્રણ ગોલ રજૂ કર્યા : અફઘાન સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી,તા.૨૭ : પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે પારસ્પરિક સહયોગ આવશ્યક છે.મધ્ય એશિયા એક એકીકૃત અને સ્થિર પડોશના ભારતના દૃષ્ટિકોણનું કેન્દ્ર છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પહેલા ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનમાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-મધ્ય એશિયા સમિટની પહેલી બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેતા જણાવ્યું હતું કે,ભારત અને મધ્ય એશિયાના દેશોના કૂટનીતિક સંબંધોએ ૩૦ સાર્થક વર્ષ પૂરા કર્યા છે.છેલ્લા ત્રણ દાયકામાં આપણા સહયોગે અનેક સફળતા હાંસલ કરી છે.આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ સાથે તેમણે ત્રણ ગોલ અંગે વાત કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે,આજના શિખર સંમેલનના ત્રણ લક્ષ્ય છે.સૌથી પહેલું એ સ્પષ્ટ કરવાનું છે કે પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભારત અને મધ્ય એશિયા વચ્ચે પારસ્પરિક સહયોગ આવશ્યક છે.બીજું લક્ષ્ય આપણા સહયોગને એક અસરકારક માળખું આપવાનું છે,જે બધા જ હિતધારકો વચ્ચે નિયમિત વાતચિત માટે એક મંચની સ્થાપનાનો માર્ગ તૈયાર કરવાનું છે.ત્રીજું લક્ષ્ય આપણા સહયોગ માટે એક મહત્વાકંક્ષી રૂપરેખા તૈયાર કરવાની છે,જે આપણને ક્ષેત્રીય સંપર્ક અને સહયોગ માટે એકીકૃત દૃષ્ટિકોણ અપનાવવા સક્ષમ બનાવશે.આ શિખર સંમેલનના ભાગરૂપે વડાપ્રધાને તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાનના પ્રમુખો સાથે બેઠક યોજી હતી.