– ટ્રેનને આગ લગાડનારા અને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓને રેલવેમાં નોકરી નહીં મળે : રેલવે મંત્રાલયની ટ્વીટ
રેલવે ભરતી મુદ્દે વિદ્યાર્થીઓએ બિહારના પાટનગર સહિત આખા રાજ્યમાં દેખાવો કર્યા હતા અને ઠેર-ઠેર રસ્તા બંધ કરી દીધા હતા.તેના કારણે રાજ્યમાં જનજીવન ખોરવાઈ ગયું હતું.દિવસભર વિદ્યાર્થીઓના પ્રદર્શનો ચાલ્યા હતા.ટાયરો બાળીને રસ્તાઓ બંધ કરી દીધા હતા.પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો હતો.
રેલવે ભરતીના મુદ્દે બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન ચાલુ રાખ્યું હતું.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા અને ટાયરો બાળીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.કેટલાય સ્થળોએ વિદ્યાર્થીઓના પ્રદર્શનોને વિખેરી નાખવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો.વિદ્યાર્થીઓના વ્યાપક પ્રદર્શનોના કારણે બિહારમાં જનજીવન ઠપ થઈ ગયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘે બિહાર બંધનું આહ્વાહન કર્યું હતું.તેને આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધને તેમ જ જન અધિકાર પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવે સમર્થન આપ્યું હતું.પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ થયો છે તેને પાછો ખેંચવાની માગણી કરી હતી.
બિહારમાં બંધના આહ્વાહન વચ્ચે જેમના પર આ આંદોલન ભડકાવવાનો આરોપ છે તે ટયુશન ક્લાસિસ સંચાલક ખાન સરે વીડિયો મેસેજ જારી કરીને વિદ્યાર્થીઓને આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ ન લેવાની અપીલ કરી હતી.આ ખાન સરના વીડિયોથી વિદ્યાર્થીઓએ પટણામાં ટ્રેનને આગ લગાવી હતી એવો આરોપ પોલીસે લગાવ્યો હતો.તે સિવાય પાંચ ટયુશન ક્લાસિસ સંચાલકો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.બિહાર-યુપીના વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલ્હીમાં પણ દેખાવો થયા હતા.યુવા કોંગ્રેસ અને લેફ્ટ એફિલિએટેડ ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને દિલ્હીના રેલવે ભવન સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય કરવાના સૂત્રોચ્ચારો કર્યા હતા.જે પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીઓ ઉપર બળપ્રયોગ કર્યો તેમની સામે પગલાં ભરવાની માગણી આ સંગઠનોએ કરી હતી.
આ વિરોધ પ્રદર્શનો વચ્ચે રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું હતું કે રેલવેને આગ લગાડનારા અને નુકસાન કરનારા વિદ્યાર્થીઓને રેલવે મંત્રાલય નોકરી આપશે નહીં.રેલવે મંત્રાલયે એક ખાસ સમિતિ બનાવી છે, જે હિંસા આચરનારા વિદ્યાર્થીઓની ઓળખ કરશે.ટ્રેનો રોકીને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓને નોકરી માટે બ્લોક કરવામાં આવશે.રેલવે મંત્રાલયના નિવેદન પ્રમાણે આવા યુવાનોની ઓળખ થયા પછી તેમને આજીવન રેલવેની નોકરી મળી શકશે નહીં.