લખનૌ,તા.30.જાન્યુઆરી રવિવાર : યુપી ચૂંટણી પર આખા દેશની નજર મંડાઈ છે.રાજકીય પાર્ટીઓ આ ચૂંટણી જીતવા માટે તમામ પ્રકારના હથકંડા અપનાવી રહી છે.
ચૂંટણી પ્રચારની ગરમા ગરમી વચ્ચે આજે સમાજવાદી પાર્ટી,બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ છોડી ચુકેલા 21 નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.જેમાં તાજેતરમાં હિ્ન્દુઓ સામે વિવાદિત નિવેદન કરનાર મૌલાના તોકીર રઝાની પુત્રવધુ નિદા ખાનનો પણ સમાવેશ થાય છે.
નિદા ખાને ભાજપનુ સભ્યપદ સ્વીકાર્યુ છે અને એ પછી કહ્યુ હતુ કે,હું ભાજપના કામથી પ્રભાવિત છું અને એટલા માટે જ મેં ભાજપ જોઈન કરી છે.ત્રણ તલાકના મામલામાં ભાજપે જે પણ નિર્ણય લીધા છે તે પ્રશંસાને પાત્ર છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે,મારા સસરા જે પણ કહે તે પરંતુ આ મારો વ્યક્તિગત નિર્ણય છે.મુસ્લિમ મહિલાઓ નિશ્ચિત રીતે ભાજપનુ સમર્થન કરશે.
ઉલ્લેખનીય છે કે,મૌલાના તોકીર રઝાનો એક વિડિયો તાજેતરમાં વાયરલ થયો હતો.પોતાના ભાષણમાં રઝાએ ધમકી આપતા કહ્યુ હતુ કે,અમારા યુવાનો જો બેકાબૂ થયા તો હિન્દુઓને આ દેશમાં ક્યાંય સંતાવાની જગ્યા નહીં મળે.