– ભાજપ સરકારના પાંચ વર્ષમાં ચોરીમાં 70%,લૂંટમાં 69%,હત્યામાં 30%,અપહરણમાં 35% અને બળાત્કારમાં 30%થી વધુનો ઘટાડો થયો
નવી દિલ્હી,તા.29 જાન્યુઆરી,શનિવાર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશમાં સતત ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે.મુઝફ્ફરનગરમાં અસરકારક મતદાર સંવાદ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે,ગઈ કાલે અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ જોઈ,અખિલેશે ખુબ જ સારી રીતે વાત કરી કે,અમે સાથે જ છીએ પરંતુ તમે સાથે માત્ર મત ગણતરી સુધી જ છો અને જો સરકાર બની ગઈ તો જયંત ભાઈ નીકળી જશે અને આઝમ ખાન બેસી જશે.ટિકિટની વહેંચણી પરથી જ સમજી શકાય છે કે,આગળ શું થવાનું છે.
અમિત શાહે આગળ જણાવ્યું કે,અખિલેશ બાબુને શરમ પણ નથી આવતી. કાલે અહીં એમ કહીને ગયા કે,કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઠીક નથી.અખિલેશ બાબુ આજે હું સાર્વજનિક કાર્યક્રમમાં આંકડા આપવા માટે આવ્યો છું અને તમારામાં હિમ્મત હોય તો તમારા સમયના આંકડા લઈને કાલે પ્રેસવાર્તા કરજો.તેમણે કહ્યું કે,”તમારા શાસનની તુલનામાં,ભાજપ સરકારના પાંચ વર્ષમાં ચોરીમાં 70%,લૂંટમાં 69%,હત્યામાં 30%, અપહરણમાં 35% અને બળાત્કારમાં 30%થી વધુનો ઘટાડો થયો છે.”
અમિત શાહે આગળ કહ્યું કે,અગાઉ સપા-બસપાએ અહીં શાસન કર્યુ હતું. બહેનજીની પાર્ટી આવતી હતી તો તેઓ એક જાતિની વાત કરતા હતા.કોંગ્રેસ પાર્ટી આવતી હતી તો તેઓ પરિવારની વાત કરતા હતા.અખિલેશ બાબુ આવતા તો તેઓ ગુંડા,માફિયા અને તુષ્ટિકરણની વાતો કરતા હતા.”આ જ મુઝફ્ફરનગર છે જેણે ઉત્તર પ્રદેશમાં ભાજપની વિશાળ જીતનો પાયો નાખ્યો અને વિપક્ષને ધૂળ ચટાડી હતી.હું મુઝફ્ફર નગરથી સહારનપુર સુધીના લોકોને પૂછવા માગુ છુ કે,શું તમે બધા રમખાણો ભુલી ગયા છે,જો ના ભુલ્યા હોય તો મત આપવામાં ભૂલ ના કરશો નહીંતર મુઝફ્ફર નગર ફરીથી સળગી ઉઠશે.અગાઉની સરકારોમાં ગુંડાઓ,માફિયાઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો,દરેક જગ્યાએ લોકો અસુરક્ષિત હતા,પરંતુ જ્યારથી ભાજપની સરકાર બની છે,રાજ્યના તમામ ગુંડાઓ,માફિયાઓનું જોર ઘટ્યું છે.