સંસદમાં પેગાસસની ચર્ચા નહીં થાય, માત્ર બજેટના સવાલો ઉઠાવી શકાશેઃ કેન્દ્ર

174

સુપ્રીમે બનાવેલી સમિતિ પેગાસસની તપાસ કરતી હોવાથી સંસદમાં ચર્ચાનો અર્થ નથી : સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી

પેગાસસ જાસૂસીનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો હોવાથી બજેટસત્ર તોફાની બને એવી પૂરી શક્યતા છે.એ દરમિયાન સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે પેગાસસનો મુદ્દો કોર્ટમાં હોવાથી તે બાબતે સંસદગૃહમાં કોઈ જ ચર્ચા થશે નહીં.માત્ર બજેટને લગતી જ ચર્ચા થશે.

બજેટ સત્રની શરૃઆત થઈ ચૂકી છે.આગામી ૮મી એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે.બજેટ સત્ર પહેલાં જ ફરીથી પેગાસસ જાસૂસી પ્રકરણનો અહેવાલ અમેરિકન અખબારોમાં આવ્યો હોવાથી ભારતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.બજેટસત્રમાં એ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ધમાલ થા એવી શક્યતા વચ્ચે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.સર્વદલીય બેઠક પછી સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સંસદના બજેટસત્રમાં માત્ર બજેટને લગતી જ ચર્ચા થશે.એમાં પેગાસસ બાબતે ચર્ચા કરવામાં આવશે નહીં.

પ્રહલાદ જોશીએ ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટે પેગાસસની તપાસ કરવા સમિતિ બનાવી છે.પેગાસસનો મુદ્દો હવે કોર્ટમાં છે અને તેની ચર્ચા સંસદમાં કરવાનો કોઈ અર્થ રહેશે નહીં.પેગાસસ બાબતે સંસદના ચોમાસું સત્રમાં સરકારને જે કહેવાનું હતું કે આઈટી મંત્રીએ કહ્યું હતું.તે બાબતે અત્યારે કોઈ જ વાત નહીં થાય. વિપક્ષ બજેટ અને રાષ્ટ્રપતિના ભાષણની ચર્ચા કરી શકશે.

સર્વપક્ષીય બેઠકમાં ૨૫ પાર્ટીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિપક્ષના સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને આઈટી મંત્રી સામે વિશેષાધિકાર પ્રસ્તાવનું ઉલ્લંઘન કરવા બાબતે કાર્યવાહી કરવાની માગણી કરી છે.એ મુદ્દે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે આ પ્રસ્તાવમાં કોઈ દમ નથી,છતાં કાર્યવાહીનો નિર્ણય સ્પીકર જ કરી શકશે.

તેમણે કહ્યું હતું કે બજેટસત્રના પ્રથમ ભાગમાં બજેટની ચર્ચા થાય તે યોગ્ય છે.બીજા ભાગમાં જો જરૃર લાગશે તો અન્ય બાબતોની ચર્ચા કરી શકાશે.

Share Now