નવી દિલ્હી : સરકારે એર ક્વોલિટી સુધારવા દેશમાં લીધેલા પગલાના લીધે લગભગ 100 શહેરોમાં એર ક્વોલિટીમાં સુધારો થયો છે. સરકારે લીધેલા પગલામાં વાહનના પ્રદૂષણને ડામવા સહિત ઔદ્યોગિક પ્રદૂષણને અંકુશમાં રાખવાના પગલાંનો સમાવેશ થાય છે, એમ ઇકોનોમિક સરવે 2022-23માં જણાવાયું હતું.સરકારે ફેમ સ્કીમના બીજા તબક્કા માટે 10,000 કરોડ મંજૂર કર્યા છે. તેનો પ્રારંભ પહેલી એપ્રિલ 2019થી થયો છે.ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સ્વીકાર્યતા વધારવા સરકાર આ સ્કીમ પ્રમોટ કરી રહી છે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનની માંગ સર્જવા માટે બજેટરી સપોર્ટના 86 ટકા ભંડોળની ફાળવણી કરવામાં આવી છે.આ તબક્કાનું ધ્યેય 7,090 ઇલેક્ટ્રિક બસ,પાંચ લાખ ઇ-થ્રી વ્હીલર્સ અને 55,000 ઇ-ફોર વ્હીલર્સ અને દસ લાખ ઇ-ટુ વ્હીલર્સને સમર્થન મળ્યું છે,એમ ઇકોનોમિક સરવેએ જણાવ્યું હતું.
ઇલેક્ટ્રિક વાહન માટે પરમિટની જરૃરિયાત નાબૂદ કરી દેવાઈ છે.સરકારની આ પહેલના પરિણામે 2020-21માં 96 શહેરોમાં 2019-20ની તુલનાએ પીએમ10 કોન્સન્ટ્રેશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડની મર્યાદાની અંદર આવતા શહેરોની સંખ્યા 2019-20માં 18 હતી જે 2020-21માં 27 થઈ છે.આમ છતાં હવા પ્રદૂષણ ચિંતાનો વિષય તો છે જ.36 શહેરોના હવા પ્રદૂષણમાં 2019-20ની તુલનાએ 2020-21માં વધારો જોવા મળ્યો છે,એમ તેણે ઉમેર્યુ હતું.
વાહનો દ્વારા થતાં પ્રદૂષણમાં ઘટાડા અંગે સરવેની નોંધ હતી કે દેશ એપ્રિલ 2020થી ઇંધણના મોરચે બીએસ-4થી સીધુ બીએસ-6 તરફ વળ્યું છે.આ ઉપરાંત વધુને વધુ શહેરોમાં મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાનું વિસ્તરણ થયું છે.તેના હેઠળ વધુને વધુ શહેરોને આવરી લેવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વધુ સ્વચ્છ ઇંધણો જેવા કે એલપીજી,સીએનજી અને પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવામાં આવી રહ્યું છે.સરકાર કોલસા આધારિત વીજમથકો માટે પ્રદૂષણ અંગે આકરા નિયમો લઈને આવી છે.દેશમાં જુલાઈ 2018થી પેટ કોકની આયાત પર પ્રતિબંધ છે, સિવાય કે ખાસ કિસ્સામાં તેના માટે મંજૂરી મળી હોય.
અત્યંત પ્રદૂષિત ઉદ્યોગો અને ઇંટોના ભઠ્ઠા પર મોનિટરિંગ ડિવાઇસીસ દ્વારા ઓનલાઇન નજર રખાય છે.પ્રદૂષણ ઘટાડવા તેને ઝિગ-ઝેગ ટેકનોલોજી તરફ શિફ્ટ કરાયા છે.સરકારે આ ઉપરાંત સોલિડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ,ઇ-વેસ્ટ,બાયો-મેડિકલ વેસ્ટ,બાંધકામ અને ડિમોલિશન,વેસ્ટ અને જોખમી કચરાના નિકાલ માટે છ નિયમ નોટિફાઈ કર્યા છે.પ્લાસ્ટિક અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સુધી ઉત્પાદકની જવાબદારી લંબાવાઈ છે.આ ઉપરાંત બાયોમાસ અને કચરાને બાળવા પર પ્રતિબંધ મૂકાયો છે.