નવી દિલ્હી,તા.02 જાન્યુઆરી,બુધવાર : પાકિસ્તાનના મસૂદ ખાનની આજકાલ ઘણી ચર્ચા ચાલી રહી છે.ચર્ચાનું મુખ્ય કારણ એ છે કે,મસૂદ ખાનને ઈમરાન ખાનની સરકારે અમેરિકામાં પોતાનો રાજદૂત જાહેર કરી દીધો.પરંતુ અમેરિકી જો બાઈડન વહીવટીતંત્રએ બે મહીનાથી તેમની સ્વીકૃતિને લટકાવી રાખી છે.જેના કારણે પાકિસ્તાનની ઘણી બદનામી થઈ રહી છે.ઈમરાન ખાને નવેમ્બરમાં જ મસૂદ ખાનને યુએસમાં તેમના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા,પરંતુ તેમની નિમણૂકની મંજૂરી માટે સમયમર્યાદા કરતા ઘણો સમય લાગી રહ્યો છે.હકીકતમાં અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદે મસૂદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે.
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ સ્કોટ પેરીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને લખેલા પોતાના પત્રમાં જણાવ્યું હતું કે,મસૂદ ખાન જેહાદી છે અને આતંકવાદીઓનો સાચો સમર્થક છે.તેના કરતા પણ મોટી વાત એ છે કે,મસૂદ ખાને અમેરિકન હિતોની સાથે સાથે આપણા ભારતીય સહયોગીઓની સુરક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું છે.આથી મસૂદ ખાનનું નામાંકન રદ કરવું જોઈએ.
હકીકતમાં મસૂદ ખાન કોણ છે
70 વર્ષના મસૂદ ખાન પાકિસ્તાની વિદેશ સેવાના 1970ની બેચના અધિકારી છે.મસૂદ ખાનનો જન્મ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા રાવલકોટમાં થયો હતો અને તે 2016 થી 2021 સુધી પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના આઝાદ કાશ્મીરના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે.
પાકિસ્તાન વિદેશ સેવામાં તેમનું પ્રથમ મોટુ પદ 9/11 પછી તરત જ શરૂ થયું જ્યારે તેમને પાકિસ્તાન વિદેશ ઓફિસમાં પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા.તેઓ પ્રેસ સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ રહ્યા છે જેની ભારતીય પત્રકારો પણ પ્રશંસા કરી ચુક્યા છે.પાકિસ્તાનમાં ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરના ઘણા ઓછા અધિકારીઓ હોય છે તેથી તેઓ પાકિસ્તાની સેનામાં પણ ખૂબ લોકપ્રિય બની ગયા હતા.
ટૂંક સમયમાં જ મુશર્રફ સરકાર દ્વારા જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.2008માં યુસુફ રઝા ગિલાની સરકાર દ્વારા તેમને ચીનમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ચાર વર્ષ પછી, તેઓ ન્યૂયોર્કના યુએનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ બન્યા હતા.પાકિસ્તાન પરત ફર્યા બાદ તેમને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
ભારત વિરોધી મસૂદ ખાન
મસૂદ ખાન તેના ભારત વિરોધી અને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ માટે જાણીતા છે.જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ હતી ત્યારે પણ તેઓ ભારતના સ્ટેન્ડનો વિરોધ કરતા જોવા મળ્યા છે.તેમનું એવું માનવું છે કે,ભારતે પાકિસ્તાન પર કબ્જો કર્યો છે જ્યારે પાકિસ્તાન ખુદ કાશ્મીરને સત્તાવાર રૂપે પોતાનું નથી માનતું.
બીજી તરફ મસૂદ ખાન મોટે ભાગે આતંકવાદીઓને સમર્થન આપતા હોય છે.તાજેતરમાં,તેમણે કહ્યું હતું કે જ્યારે અમેરિકા એક સમયના ખતરનાક દુશ્મન તાલિબાન સાથે વાત કરી શકે છે,તો તેણે અમેરિકન જેલમાં બંધ આફિયા સિદ્દીકીની મુક્તિ માટે પણ રસ્તો કાઢવો જોઈએ.આફિયા સિદ્દીકી લેડી અલ કાયદા તરીકે પ્રખ્યાત છે.મસૂદ ખાન ભારતીય સેના દ્વારા માર્યા ગયેલા ખતરનાક આતંકવાદી બુરહાન બાનીને પણ હીરો ગણાવી ચુક્યા છે.
યુએનમાં જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાના ભારતીય પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે તેણે ચીન સાથે મળીને કામ કર્યું હતું. મસૂદ ખાનને ઈમરાન ખાને તેના ભારત વિરોધી અને મોદી વિરોધી વલણને કારણે જ પસંદ કર્યા છે.