- બજેટમાં માળખાકીય વૃદ્ધિ,વધુ રોકાણ અને રોજગારીની સંભાવનાઓ : PM મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરાયેલી વર્ષ 2022-23નું બજેટ મૈત્રીપૂર્ણ અને પ્રગતિશીલ ગણાવ્યું હતું.પીએમ મોદીએ જણાવ્યું કે,ગરીબોનું કલ્યાણ એ આ વર્ષના બજેટનો મુખ્ય હેતુ છે.બજેટમાં રોકાણ,માળખાકીય વિકાસ તેમજ રોજગારીની અપાર સંભાવનાઓ રજૂ કરાઈ છે.છેલ્લા 100 વર્ષમાં દેશમાં પ્રવર્તમાન પડકારજનક સમયગાળામાં બજેટથી વિકાસનો નવો વિશ્વાસ મળ્યો છે.
બજેટથી સામાન્ય લોકો માટે અનેક તકો સર્જાશે અને અર્થતંત્ર પણ મજબૂત થશે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
બજેટમાં વધુ માળખાકીય વૃદ્ધિ,વધુ રોકાણ,ગ્રોથ અને રોજગારીની સંભાવનાઓ રહેલી છે.આ બજેટનો મુખ્ય ઉદ્દેશ ગરીબોનું કલ્યાણ છે.નાણામંત્રી નિર્મલા સિતારમણે મંગળવારે લોકસભામાં રૂ.39.45 લાખ કરોડનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.બજેટમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એફોર્ડેબલ હાઉસિંગ સહિત માળખાકીય વિકાસ પાછળ ઉચ્ચ મૂડીખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.આ યોજનાથી અર્થતંત્રના ચાવીરૂપ એન્જિનને વેગ મળવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ બજેટમાં સામાન્ય કરદાતાઓને કોઈ રાહત આપી નથી.મધ્યમવર્ગ આનાથી ભારોભાર નિરાશ થયો હતો.
કેન્દ્રીય બજેટ દૂરંદેશી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બજેટને દૂરંદેશી ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું સૌથી વિકસીત અર્થતંત્ર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બજેટનું કદ વધારીને રૂ. 39.45 લાખ કરોડ કરવામાં આવ્યું છે જે સુચવે છે કે, કોરોના કાળમાં પણ ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. મોદી સરકારનું આ વિઝનરી બજેટ છે. આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવવામાં અને નવા ભારતનો પાયો નાખવામાં મદદરૂપ થશે. હું પીએમ નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારમણને આ બજેટ બદલ અભિનંદન આપું છું.