– નકલી કોવિશીલ્ડ અને ઝાયકોવ ડી વેક્સિન અને નકલી કોવિડ ટેસ્ટિંગ કિટનું મોટા પાયે નિર્માણ થતું હતું
વારાણસી : વારાણસી જિલ્લામાં નકલી કોવિશીલ્ડ અને ઝાયકોવ ડી વેક્સિન તથા નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ મોટા પાયે બનાવવામાં આવતી હોવાની માહિતી મળ્યા પછી એસટીએફના ફિલ્ડ યુનિટ,વારાણસીએ કાર્યવાહી કરી છે.ચોક્કસ બાતમીને આધારે એસટીએફએ દરોડા પાડીને ઘટના સ્થળેથી મોટા પ્રમાણમા નકલી કોવિડ ટેસ્ટિંગ કિટ જપ્ત કરી હતી અને પાંચ લોકોની અટકાયત કરી હતી.
એસટીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી છે.પૂછપરછ પછી સમગ્ર કેસ સપાટી પર આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવી છે.આ સંદર્ભમાં લંકા પોલીસ સ્ટેશનમાં એસટીએફની તરફથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
એસટીએફના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ રાકેશ થવાની (વારાણસી), સંદીપ શર્મા (વારાણસી), લક્ષ્ય જાવા(નવી દિલ્હી), શમશેર(નાગપુર) અને અરૂણેશ વિશ્વકર્મા(વારાણસી) તરીકે કરવામાં આવી છે.
આ આરોપીઓની પાસેથી નકલી ટેસ્ટિંગ કિટ, નકલી કોવિશિલ્ડ વેક્સીન, નકલી ઝાઇકોવ ડી વેક્સિન, પેકિંગ મશીન, ખાલી વાયલ અને સ્વાબ સ્ટિક જપ્ત કરવામાં આવ્યા છે.
પૂછપરછ દરમિયાન રાકેશ થવાનીએ જણાવ્યું છે કે તે સંદીપ શર્મા, અરૂણેશ વિશ્વકર્મા અને શમશેરની સાથે મળીને નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવતો હતો અને તે લક્ષ્ય જાવાને સપ્લાય કરતો હતો અને તે પોેતાના નેટવર્ક દ્વારા અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતો હતો.
જપ્ત કરવામાં આવેલી દવાઓ અને કોવિડ કિટનું બજાર મૂલ્ય અંદાજે ચાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.ડ્રગ લાયસન્સ ઓથોરિટીના અધિકારી કે જી ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ જપ્ત કરાયેલ વેક્સીનનો જથ્થો નકલી હોવાનું લાગી રહ્યું છે.આરોપીઓ વિરુદ્ધ લંકા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.