– અનેક સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ રિટાયર્ડ કર્નલ હવે સ્વસ્થ છે અને તેમણે મૃણાલ સહિતના આવા ગુમનામ હીરોની પ્રશંસા કરી હતી
નવી દિલ્હી,તા.03 ફેબ્રુઆરી,ગુરૂવાર : ઈન્ટરનેટ પર તમે ફુડ ડિલીવર કરનારાઓની એવી તસવીરો જોઈ જ હશે જેમાં તેઓ વરસાદમાં ભીંજાઈને પણ તમારા ઘરના દરવાજે ભોજન લઈને પહોંચે છે. આવી તસવીરો ખૂબ જ સુખદ હોય છે.Swiggyએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક એવી ઈમોશનલ પોસ્ટ શેર કરી છે જેને જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જશે.હકીકતે સ્વિગીના ડિલીવરી બોય મૃણાલ કિરદતે એક રિટાયર્ડ કર્નલ મનમોહન મલિકનો જીવ બચાવ્યો હતો.
ડિલીવરી બોયના કારણે બચ્યો જીવ
આ ડિલીવરી બોયના કારણે મનમોહન મલિક ટાઈમસર હોસ્પિટલ પહોંચી શક્યા હતા અને તેમનો જીવ બચી શક્યો છે.હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મનમોહન મલિકે પણ ડિલીવરી બોયની ખૂબ જ પ્રશંસા કરી છે અને સ્વિગીએ પોતે જ તે શેર કર્યું છે.
શું છે સમગ્ર કેસ?
ગત વર્ષે 25 ડિસેમ્બરના રોજ રિટાયર્ડ કર્નલ મનમોહન મલિકની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.ત્યાર બાદ તેમનો દીકરો તેમને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં ખૂબ જ ભારે ટ્રાફિકજામ હતો અને તેઓ કારમાં ફસાઈ ગયા હતા.પિતા-પુત્ર માટે ત્યાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.
ત્યાર બાદ મનમોહનના દીકરાએ કેટલાક ટુ-વ્હીલર્સ ચાલકોને મદદ કરવા માટે વિનંતી કરી હતી કે,તેઓ આગળ કેટલાક વાહનો દૂર કરાવે જેથી તેઓ જલ્દી હોસ્પિટલ પહોંચી શકે.પરંતુ કોઈ જ ઉભું નહોતું રહ્યું અને કોઈએ પણ મદદ ન કરી.ત્યારે મૃણાલ ત્યાં પહોંચી ગયો હતો અને કર્નલને શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ લઈ જવા મદદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો.
રસ્તા પરથી ટ્રાફિક જામ દૂર કર્યો
મૃણાલે કર્નલને અને તેમના દીકરાને બાઈકમાં પોતાની પાછળ બેસાડી દીધા હતા અને ટ્રાફિકમાંથી રસ્તો કરવા લાગ્યો હતો.તેણે જે લોકો પોતાની ગાડી નહોતા હટાવી રહ્યા તેમને બૂમો પાડીને રસ્તો કરવા કહ્યું હતું અને હોસ્પિટલ પહોંચીને પણ સ્ટાફને પેશન્ટની સ્થિતિ ગંભીર હોવાથી ત્વરિત પગલાં લેવા માટે કહ્યું હતું.
અનેક સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ રિટાયર્ડ કર્નલ હવે સ્વસ્થ છે અને તેમણે મૃણાલ સહિતના આવા ગુમનામ હીરોની પ્રશંસા કરી હતી.
સ્વિગીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાયરલ સ્ટોરી શેર કરી છે અને આ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.લોકો પણ મૃણાલની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
આ સાથે જ સોશિયલ મીડિયામાં આવા ફુડ ડિલીવરી પ્લેટફોર્મના વર્ક એથિક અને કલ્ચર સામે પણ સવાલ થઈ રહ્યા છે કારણ કે, ડિલીવરી પર્સન સાવ નજીવી રકમ સામે સમયસર ઓર્ડર પહોંચાડવા પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે.
ગત વર્ષે એક ટ્વિટર યુઝરે ઝોમેટો ડિલીવરી બોય સાથેનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.તે ડિલીવરી પર્સન પોતાનું પાકીટ ચોરાઈ ગયું તેમ છતાં સમયસર ભોજન પહોંચાડવા આવ્યો હતો.