ભારતમાં 3 ડોઝવાળી પહેલી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ, જાણો ઈન્જેક્શન વગર કઈ રીતે અને કોને મળશે

191

કંપનીએ તેના એક ડોઝની કિંમત 265 રૂપિયા રાખી છે અને તેના સિવાય દરેક ડોઝ પર 93 રૂપિયાનો જીએસટી પણ લાગશે

નવી દિલ્હી,તા.03 ફેબ્રુઆરી,ગુરૂવાર : કોરોના સામેની લડાઈમાં ભારતને વધુ એક હથિયાર મળી ગયું છે.સ્વદેશી કંપની Zydus Cadilaએ પોતાની કોરોના વેક્સિન ZyCov-Dનો સપ્લાય શરૂ કરી દીધો છે.આ વેક્સિન 12 વર્ષ અને તેના કરતાં વધારે ઉંમરના લોકોને આપવામાં આવશે.જોકે ભારતમાં હજુ તે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ આપવામાં આવશે.આ વેક્સિનની ખાસ વાય એ છે કે, તેમાં સોયનો ઉપયોગ નથી થતો. મતલબ કે, આ વેક્સિન નીડલ ફ્રી વેક્સિન છે.ઉપરાંત આ વેક્સિન 3 ડોઝવાળી છે જે તેને બાકીની વેક્સિનથી અલગ પાડે છે.કેન્દ્ર સરકારે ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં જ ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીને મંજૂરી આપી હતી.આ વેક્સિનના 3 ડોઝ 28-28 દિવસના અંતરથી આપવામાં આવશે. પહેલા ડોઝ બાદ બીજો ડોઝ 28 દિવસ બાદ અને ત્રીજો ડોઝ 56 દિવસ બાદ આપવામાં આવશે.

  • વેક્સિનને ખાસ બનાવે છે આ 4 વાત

1. ત્રણ ડોઝવાળી વેક્સિનઃ
અત્યાર સુધી વિશ્વમાં જેટલી પણ વેક્સિન આપવામાં આવી રહી છે તે સિંગલ ડોઝ છે અથવા તો ડબલ ડોઝ છે. પરંતુ ઝાયકોવ-ડી પહેલી વેક્સિન છે જેના 3 ડોઝ આપવામાં આવશે.

2. નીડલ ફ્રી વેક્સિનઃ

તેમાં સોયનો ઉપયોગ નહીં થાય. તેને જેટ ઈન્જેક્ટર દ્વારા આપવામાં આવશે. તેનાથી વેક્સિનને હાઈ પ્રેશર વડે લોકોની સ્કિનમાં ઈન્જેક્ટ કરવામાં આવશે. આ ડિવાઈસનો આવિષ્કાર 1960માં થયો હતો. WHOએ 2013માં તેના ઉપયોગની મંજૂરી આપી હતી.

3. DNA બેઝ્ડ વેક્સિનઃ
ઝાયકોવ-ડી વિશ્વની પ્રથમ DNA બેઝ્ડ વેક્સિન છે. અત્યાર સુધીની બધી જ વેક્સિન mRNAનો ઉપયોગ કરે છે પરંતુ આ પ્લાઝ્મિડ DNAનો ઉપયોગ કરે છે.

4. સ્ટોરેજ પણ સરળઃ
બાકીની વેક્સિનની સરખામણીએ તેની સાચવણી વધારે સરળ છે. તેને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. એટલું જ નહીં, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ તેને 4 મહિના સુધી રાખી શકાશે.

કેન્દ્ર સરકારે આ વેક્સિનના 1 કરોડ ડોઝ ઓર્ડર કર્યા હતા અને કંપનીએ તેનો સપ્લાય શરૂ કરી દીધો છે. આ વેક્સિન હાલ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવશે.

કંપનીએ તેના એક ડોઝની કિંમત 265 રૂપિયા રાખી છે અને તેના સિવાય દરેક ડોઝ પર 93 રૂપિયાનો જીએસટી પણ લાગશે. મતલબ એક ડોઝની કુલ કિંમત 358 રૂપિયા હશે.

Share Now