
નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી : કર્ણાટકની કોલેજો અને સ્કૂલોમાં આજકાલ હિજાબ અને ભગવા ખેસ વચ્ચે જંગ જામ્યો હોય તેવો માહોલ છે.કેટલીક કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબની સામે હવે હિન્દુ વિદ્યાર્થીઓ ભગવો ખેસ પહેરીને આવવા માંડ્યા છે.કુંડાપુરા જુનિયર કોલેજમાં 28 યુવતીઓએ હિજાબ પહેરતા તેમની સામે ગામના 50 વિદ્યાર્થીઓ હવે ભગવો ખેસ ધારણ કરીને કોલેજ આવ્યા છે.દરમિયાન કોલેજ દ્વારા તમામ સ્ટુ઼ડન્ટસના વાલી સાથે બેઠક યોજીને તેમને નક્કી યુનિફોર્મમાં આવવા માટે કહેવાયુ છે.
મુસ્લિમ સ્ટુડન્ટસના માતા પિતાનુ કહેવુ છે કે, હિજાબ બેન પર અમને કોઈ જાણકારી આપવામાં આવી હતી.મંગળવાર સુધી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને ક્લાસ એટેન્ડ કરતી હતી પણ હવે કહેવામાં આવ્યુ છે કે, વિદ્યાર્થિનીઓ કેમ્પસમાં હિજાબ પહેરી શકશે પણ ક્લાસ એટેન્ડ નહીં કરી શકે.
બીજી તરફ ઉડુપીમાં પીયુ કોલેજમાં પણ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ નહીં પહેરવાના કોલેજના આદેશની સામે દેખાવો ચાલુ રાખ્યા છે.
હિન્દુ સંગઠનોનુ કહેવુ છે કે,મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ વગર નહીં આવે ત્યાં સુધી હિન્દુઓ ભગવો ખેસ પહેરવાનુ ચાલુ રાખશે.
કર્ણાટકના શિવમોગા જિલ્લામાં પણ આવેલી સરકારી કોલેજમાં હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવો ખેસ ધારણ કરીને મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પહેરેલા હિજાબનો વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે,જો મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ માટે પરવાનગી હોય તો અમે પણ ભગવો ખેસ ધારણ કરીને ક્લાસમાં બેસીએ તે માટે મંજૂરી આપવામાં આવે.
મુસ્લિમ સંગઠન કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા હવે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ નહીં પહેરવા માટે આદેશ આપીને કેવી રીતે અન્યાય કરી રહી છે તેના સેમિનારનુ આયોજન કરાયુ હતુ.
દરમિયાન શ્રીરામ સેનાનુ કહેવુ છે કે,હિન્દુ વિદ્યાર્થીઓ પણ ભગવો ખેસ ધારણ કરશે.રાજ્ય સરકાર હિજાબ પહેરનાર વિદ્યાર્થિનીઓને કાઢી મુકે.