– બજરંગદળ સંયોજક જવલીત મહેતાએ હ્યુંડાઈ ઈન્ડિયાના મેનેજરને ફોન કરીને ભારત તરફી યોગ્ય કાર્યવાહી કરવા માટે બે દિવસની મુદ્દત આપી
– જવલીત મહેતાએ કહ્યું કે, બજરંગ દળ શહીદ સૈનિકો અને કાશ્મીરી પંડિતોનું અપમાન નહીં સાંખી લે
અમદાવાદ, તા. 07 ફેબ્રુઆરી, 2022, સોમવાર : દક્ષિણ કોરિયાઈ કંપનીના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ ઈન્ડિયાએ પાકિસ્તાની યુનિટ દ્વારા ટ્વિટર પર જે પોસ્ટ મુકવામાં આવી હતી તે મામલે સ્પષ્ટતા કરી છે.પોસ્ટમાં કાશ્મીરની આઝાદીને લઈ ખૂબ જ આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી.થોડા સમયમાં જ તે પોસ્ટ ડીલિટ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તે ભારતમાં વાયરલ થઈ ગઈ હતી અને સમગ્ર વિશ્વના ભારતીય મૂળના લોકોએ નારાજ થઈને માફીની માગણી સાથે #BoycottHyundai ટ્રેન્ડ કર્યું હતું.પાકિસ્તાન હ્યુન્ડાઈ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ચાલો કાશ્મીરી ભાઈઓના બલિદાનને યાદ કરીએ અને તેમનું સમર્થન કરીએ જેથી તેઓ આઝાદી માટે સંઘર્ષ કરતા રહે.
ઓટોમોબાઈલ કંપનીના પાકિસ્તાન યુનિટે કથિત રીતે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો અને પાકિસ્તાનના ત્રાસવાદને સ્વતંત્રતાની ચળવળ ગણાવી હતી.આ પોસ્ટને લઈ ભારતીય નેટીઝન્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને ભારતના સમર્થનમાં ટ્વિટ કરવા કહ્યું હતું અને શું તેઓ હ્યુન્ડાઈ પાકિસ્તાનની ટ્વિટને સમર્થન આપે છે તેવો સવાલ કર્યો હતો.હ્યુન્ડાઈ ઈન્ડિયા દ્વારા આ પ્રકારની કોમેન્ટ્સ બ્લોક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
બજરંગ દળના સંયોજક જવલીત મહેતાએ આ મામલે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજર કપિલને ફોન કર્યો હતો અને ભારત તરફી કાર્યવાહી કરવા માટે બે દિવસની મુદ્દત આપી હતી.આ સાથે જ જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો દેશભરમાં હ્યુન્ડાઈના વાહનો બોયકોટ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.જવલીત મહેતાએ કહ્યું હતું કે, બજરંગ દળ દ્વારા શહીદ સૈનિકો અને કાશ્મીરી પંડિતોનું અપમાન નહીં સહન કરવામાં આવે.