– અમિતાભે સેલિબ્રીટીઓની હાજરીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં લતાજીનો અદ્ભૂત શૈલીમાં પરિચય આપ્યો હતો.અમિતાભ બચ્ચનની સ્પીચનો વીડિયો વાઈરલ
અમદાવાદ : સૂર સામ્રાજ્ઞાી લતા મંગેશકરના નિધન પછીના બીજા દિવસે પણ તેમને અંજલિ આપતા સંદેશા વિશ્વભરમાંથી સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ જાય છે.લતા મંગેશકરના ગીતોના ઓડિયો-વીડિયો પણ ફોરવર્ડ થાય છે.
જોકે આ બધામાં સૌથી પ્રભાવી અંજલિ તરીકે અમિતાભ બચ્ચને એક કાર્યક્રમમાં ટોચના ફિલ્મ સ્ટાર્સ અને શ્રોતાઓની હાજરીમાં લતા મંગેશકર ગીત ગાવા સ્ટેજ પર આવે છે ત્યારે એંકર તરીકે લતા મંગેશકરનો પરિચય આપતા જે અદ્ભૂત સ્પીચ આપી હતી તે ખૂબ વાઈરલ બની છે.
લતા મંગેશકર જેટલો જ આદર આપણને અમિતાભ બચ્ચન જે રીતે,જે શબ્દો સાથે ભાવપૂર્ણ લતા મંગેશકરને પેશ કરતા ચાર મીનીટ સંબોધન કરે છે તેને લીધે થાય.તાળીઓના ગડગડાટ વચ્ચે તે કહે છે કે ‘અમને જ્યારે પાડોશી દેશના લોકો મળે ત્યારે કહેતા હોય છે કે તમારી પાસે છે તેવું બધું જ અમારી પાસે અમારા દેશમાં છે. પણ માત્ર બે જ ચીજ અમારી પાસે નથી.તાજ મહેલ અને લતા મંગેશકર.’
અમિતાભ બચ્ચને તે ઉપરાંત તેની સ્પીચમાં એમ પણ કહ્યું હતું કે લતાજી’વોઈસ ઓફ મિલેનિયમ’ છે.સૂર,તાલ અને સંગીતની શરૂઆત અને અંત બંને લતા દીદી છે.જો મનુષ્યના આત્મિક આનંદનું પરમાત્મા સાથે મિલન કરતો કોઈ તાર કે દોરી હોય તો તે લતાજીનો કંઠ છે તેમ અમિતાભે ભાવુક બનીને કહ્યું હતું.
આ કાર્યક્રમમાં રેખા, ધર્મેન્દ્ર, રીશી કપૂર, ગોવિંદા, તેંડુલકર અને અંજલી સહિત અનેક સેલિબ્રીટી હતી.લતા મંગેશર માટે આ રીતે કદાચ કોઈ સ્ટેજ પર બોલ્યું નહીં હોય.
લતા અને અટલજીના નામમાં અજબ યોગાનુયોગની ઈમેજ વાયરલ
સોશિયલ મીડિયામાં એક ઈમેજ ખૂબ જ વાયરલ થઈ હતી.એમાં લતાજી અને અટલજી વચ્ચે ક્રિએટિવ યોગાનુયોગ શોધી કાઢવામાં આવ્યો હતો.ઈમેજમાં ઉપર લખાયું હતું – બે ભારત-રત્ન. એક બાજુ અટલજીની તસવીર અને બીજી બાજુ લતાજીની તસવીર મૂકાઈ હતી.બંનેના નામ ઉલટ-સુલટ કરવામાં આવે તો એકબીજાનું નામ બને છે.એમાં એક કાવ્યાત્મક લાઈન મૂકાઈ હતી : દો નામ સમાન, ઉલટા સીધા દોનોં મહાન.